અમદાવાદઃ ઉત્તર-પૂર્વીય પવનોની અસરથી રાજ્યના તાપમાનમાં આગામી દિવસોમાં ઘટાડો થશે. ઠંડીનો પાર ગગડવાના કારણે રાજ્યમાં શીતલહેર ફરી વળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, હજુ ત્રણ દિવસ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં આવે અને તે બાદ ઠંડીનો પારો વધારે ગગડવાની શક્યતા છે.
રાજ્યમાં શરૂ થયેલા ઉત્તર-પૂર્વીય ઠંડા પવનની અસરથી રાજ્યનાં મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. નલિયા 8.0 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. 12 શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો છે. શહેરમાં વહેલી સવારથી 10થી 15 કિલોમીટરની ગતિએ ફૂંકાયેલા પવનથી આખો દિવસે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
બુધવારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં આઠ ડિગ્રી સેલ્સિયશ નોંધાયુ હતું. આ ઉપરાંત આજે ગાંધીનગરમાં 15 અને અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં પણ છેલ્લા અઠવાડિયાથી તાપમાન 16થી 17 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે.
અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધતાં બુધવારે પણ દિવસ દરમિયાન લોકો સ્વેટર પહેરીને ફરતાં જોવા મળ્યા હતા. જ્યારે વહેલી સવારે બાગ બગીચામાં કસરત કે જોગિંગ કરવા આવતાં લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.