Gujarat rain alert: ગુજરાતમાં મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસવાના મૂડમાં છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદને લઈને એક અત્યંત મહત્વની અને મોટી આગાહી જાહેર કરવામાં આવી છે. આ નવી આગાહી મુજબ, આજે સાંજે 16:00 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના સમયગાળામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયેલો રહેશે. કેટલાક જિલ્લાઓમાં કડાકા-ભડાકા અને ભારે પવન સાથે અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચાલો વિગતે જાણીએ કે આગામી થોડા કલાકોમાં કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે.
અતિભારે વરસાદની ચેતવણી (>15 mm/hr)
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વિસ્તારોમાં 41 થી 61 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ 60% થી વધુ વીજળી પડવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મધ્યમ વરસાદની આગાહી (5 to 15 mm/hr)
આ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સાથે જ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં પણ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, આજે 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહેલા મેઘરાજા હવે ધીમા પડશે તેવા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટી જશે. જોકે, આજે હજુ પણ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. રાજ્યમાં એકસાથે ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ચોમાસાની આ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત પર છવાયેલું 'ડીપ ડિપ્રેશન' હવે નબળું પડીને 'વેલમાર્ક લો પ્રેશર'માં ફેરવાઈ ગયું છે અને તે રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે. આ સિસ્ટમ રાજ્યથી દૂર જવાના કારણે જ આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા ઉભી થઈ છે. જોકે આજની વાત કરીએ તો, રાજ્યમાં 'મોનસૂન ટ્રફ', 'ઓફ શોર ટ્રફ', 'વેલમાર્ક લો પ્રેશર' અને 'શિયર ઝોન' એમ કુલ 4 હવામાન સિસ્ટમ હજુ પણ સક્રિય છે. જેના કારણે આજે રાજ્યમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે.
