Surat rain news: સુરત શહેર અને જિલ્લામાં જાણે આભ ફાટ્યું હોય તેવી ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં જ 24 ઈંચ જેટલો તોફાની વરસાદ ખાબકતાં સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કીમ નદીનું જળસ્તર ભયજનક રીતે વધતા ઓલપાડ અને માંગરોળના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે. શહેરમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અમરોલી, અબ્રામા, વેલંજા, ઉમરા અને કઠોર જેવા પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 240 થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા 4000 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત જગ્યાએ આશરો આપવામાં આવ્યો છે.

Continues below advertisement

શહેરના આંતરિક વિસ્તારોની વાત કરીએ તો, ઉધના-સચીન રોડ પર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે. ખાડીપૂર અને વરસાદના પાણી રોડ પર ફરી વળતા અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અલથાણ ખાડી વિસ્તારમાં પણ ઘૂંટણથી લઈને કમરસમા પાણી ભરાતા સ્થાનિક નાગરિકોની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો થયો છે.

Continues below advertisement

કીમ નદીમાં આવેલા પૂરે માંગરોળ તાલુકાના અનેક ગામોમાં ભયંકર તારાજી સર્જી છે. મોટા બોરસરા ગામને તો નદીના પાણીએ જાણે બાનમાં લઈ લીધું છે. કીમથી મોટા બોરસરા જતા હાઈવે પર પાણી ફરી વળતા રસ્તાઓ સાવ બંધ થઈ ગયા છે. અહીંની એક મિલમાં 12 જેટલા કામદારો ફસાયા હોવાની માહિતી મળી છે. સિયાલજ ગામ પણ ચારેતરફ પાણીથી ઘેરાઈને બેટમાં ફેરવાઈ ગયું છે. ગામની મસ્જિદ અને નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસી જતાં ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણું બની ગયું છે. મોટી નરોલી ગામમાં આવેલી એલકોન નામની ફેક્ટરીમાં 20 થી વધુ લોકો ફસાઈ ગયા હતા, જેમને SDRF અને સ્થાનિક પોલીસે ટ્રેક્ટર અને JCB ની મદદથી મહામહેનતે બચાવી લીધા છે. કોઠવા ગામની સ્થિતિ પણ દયનીય છે; આખું ગામ બેટમાં ફેરવાયું છે અને એશિયાની સૌથી મોટી કોઠવા દરગાહ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જીવ બચાવવા લોકોએ ઘરના ધાબા પર આશરો લીધો છે, જ્યાં કામરેજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પાદોલ ગામના આદિવાસી ફળિયાના 20 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં વહીવટીતંત્રે લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. નેશનલ હાઈવે પર આવેલો એક પેટ્રોલ પંપ આખો પાણીમાં ડૂબી જતાં તેના તમામ કર્મચારીઓને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

ઓલપાડ તાલુકામાં કીમ નદીના પાણીએ કઠોદરા ગામમાં જળબંબાકાર અને જળકર્ફ્યુ જેવી સ્થિતિ પેદા કરી છે. કીમ-કોસંબાને જોડતા ગાયકવાડી માર્ગ પર પાણી ભરાતા વાહનવ્યવહાર સાવ ઠપ થઈ ગયો છે. કઠોદરાની શિવસાંઈ રેસિડેન્સી અને શિવસાગર સોસાયટી જળમગ્ન થઈ ગઈ છે. આ બંને સોસાયટીઓમાં ફસાયેલા 50 જેટલા લોકોને પોલીસ અને SDRF ની ટીમે રેસ્ક્યૂ કર્યા છે. સૌથી મોટી રાહતની કામગીરી કીમ ગામના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે, જ્યાં શિવસાંઈ રેસિડેન્સીમાં 350 થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસની સાથે આર્મીની બે રેજિમેન્ટ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ છે અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી છે.

બીજી બાજુ, માંડવી તાલુકામાં પણ ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી સતત આવતા પાણીના કારણે ગોળધા ડેમમાં ભંગાણ સર્જાયું છે. ડેમના ઉપરના લેયરમાં ભંગાણ પડવાથી ડેમકાંઠાના વિસ્તારોમાં રહેતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. આ સાથે જ ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે. તાપી નદીનું જળસ્તર અચાનક વધી જતાં વિયર કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે, જેના પરિણામે રાંદેર અને કતારગામને જોડતો લો-લેવલ બ્રિજ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...