Gujarat weather nowcast alert: ગુજરાતમાં મેઘરાજા હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 3 કલાક માટે એક અત્યંત ગંભીર ચેતવણી (Nowcast) જાહેર કરવામાં આવી છે. આ ચેતવણી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 3 કલાક દરમિયાન વાવાઝોડું, કરા અને ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે. આ ખતરનાક સ્થિતિને જોતા તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને સતર્ક રહેવા જણાવાયું છે.
17 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ': 87 કિમીની ઝડપે ફૂંકાશે પવન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 જિલ્લાઓમાં 15 mm થી વધુ તીવ્રતાવાળો ભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝંઝાવાતી પવન ફૂંકાવાની અને કરા પડવાની આશંકા છે. આ વિસ્તારોમાં આકાશમાંથી સીધી જમીન પર વીજળી પડવાની સંભાવના 60% થી પણ વધુ છે.
અસરગ્રસ્ત જિલ્લાઓ: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મહેસાણા અને અમદાવાદ; સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવ; જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.
21 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ': મધ્યમ વરસાદની આગાહી
આ સિવાય રાજ્યના અન્ય 21 જેટલા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ (5 થી 15 mm પ્રતિ કલાક) ની આગાહી કરવામાં આવી છે. અહીં 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને વીજળી પડવાની શક્યતા 30 થી 60% ની વચ્ચે રહેલી છે.
અસરગ્રસ્ત જિલ્લાઓ: કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદની વકી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
જનજીવન પર શું થશે અસર?
હવામાન વિભાગે આ ખરાબ હવામાનને કારણે થનારા સંભવિત નુકસાન વિશે પણ વહીવટીતંત્ર અને લોકોને ચેતવણી આપી છે:
વાહનવ્યવહાર અને ફ્લાઇટ્સ: નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાવાથી ભારે ટ્રાફિક જામ થઈ શકે છે. રનવે પર પાણી અથવા ખરાબ વિઝિબિલિટીના કારણે ફ્લાઇટ્સ મોડી પડી શકે છે કે તેને ડાયવર્ટ કરવી પડી શકે છે.
જાનમાલનું નુકસાન: ભારે પવનથી વૃક્ષો, પતરાં, સાઈનબોર્ડ અને હોર્ડિંગ્સ ઉડી શકે છે. જર્જરિત મકાનો ધરાશાયી થવાનો અને વીજળી પડવાથી જાનહાનિ થવાનો મોટો ખતરો છે.
ખેતી અને પશુપાલન: જમીનના ધોવાણ અને પૂરને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થઈ શકે છે. પશુપાલકોને પોતાના પશુઓને તાત્કાલિક સુરક્ષિત અને છતવાળા સ્થળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
