Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા હજુ રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. છુટાછવાયા વિસ્તારમાં ઠંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ બાદ તાપમાન વધશે. હાલ અમદાવાદમાં 34 ડિગ્રી અને ગાંધીનગર માં 32 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આજે વરસાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર વરસાદ રહેશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં વરસાદી માહોલ રહેશે. રાજસ્થાન તરફ સર્ક્યુલશનને લઈને વરસાદ રહેશે. જ્યારે આવતી કાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાઇ શકે છે.
સૌરાષ્ટ્રમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદે વધારી ખેડૂતોની ચિંતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે. જૂનાગઢ - ભવનાથમાં પણ વરસાદ છે. વરસાદના કારણે ગિરનાર પર્વત પરથી પાણી વહ્યા હતા અને શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ.
પૂર્વ કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો. પૂર્વ કચ્છના અંજાર,આદિપુરમાં ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કપાસ, ઘઉં, રાયડા, ઈસબગુલ સહિત પાકોને નુકસાનની સંભાવના છે, બાગાયતી પાક કેરી અને દાડમને પણ નુકસાનની ભીતિ છે.
દેવભૂમિદ્વારકાના ખંભાળિયા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ છે. સામોર, વડત્રા, હરિપર, ખોખરી, સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે. જીરું, ઘઉં, ચણા, ધાણા, જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
અમરેલી શહેરમાં ભારે બફેરા બાદ વરસાદી ઝાપટાં શરૂ થતાં ઠંડકનો અનુભવ થયો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. બાબરા શહેરમાં ધોધમાર વરસાદ, બાબરાના ફુલઝરમાં પણ વરસાદ શરૂ છે. આ વિસ્તારમાં સતત વરસાદને કારણે ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થયું છે. ખાંભાના ત્રાકુડા અને હનુમાન તાલડામા ઘોઘમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ ખાબકતા વોંકળા વહેતા થયા હતા અને ખેતરોમાં પાણી ભરાયાં હતા. કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા હતા.
જામનગરના જામ જોધપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે. બપોરના સમયે શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદનું ઝાપટું પડ્યું હતું.
પાલીતાણા પંથકમાં છેલ્લા બે અઠવાડિયા સતત કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. પાલીતાણા પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો. સતત વરસી રહેલ કમોસમી માવઠાનાં કારણે ખેડૂતોનો ઉભો પાક નાશ પામ્યો છે. પાલીતાણા તાલુકાના ધેટી, દુધાળા, ડુંગરપુર, થોરાળી, લાખાવડ સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો