Gujarat Weather Update: રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. 24 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગના મતે સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફના સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે, જૂનાગઢ, પોરબંદર, જામનગર,ભાવનગર, બોટાદ,કચ્છમાં માવઠાની આગાહી છે સાથે આણંદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને બે દિવસ બાદ તાપમાનનો પારો વધશે.
માવઠાનો આવી શકે છે વધુ એક રાઉન્ડ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં ચોમાસું બેઠું હોય તેવો માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ છેલ્લા પાંચ-છ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ
આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં ગોંડલ પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં છે. માવઠાથી તેમનો પાક બરબાદ થઈ રહ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. વડીયા અને આસપાસના મોરવાડા, બરવાળા, ઢૂંઢિયા, પીપળીયા સહિત ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો હતો. ગીરનાર તળેટી અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના પાકને નુક્સાન થઈ રહ્યું છે.
કચ્છ જિલ્લામાં કેરીના પાકને નુકસાન
આ તરફ કચ્છમાં પણ છેલ્લા એક સપ્તાહથી વરસી રહેલા માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. ખેડૂતોના ઘઉં, મગફળી, કપાસ, જીરૂ, વરિયાળી, ઈસબગુલ અને બાગાયતી પાક કેરી અને દાડમ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. સતત એક સપ્તાહ તૈયાર પાક પલળતા હવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જિલ્લામાં અલગ- અલગ 90 ટીમો બનાવવામાં આવી છે. જે સર્વેની કામગીરી રહી છે. હાલ તો ખેડૂતો ઝડપી સર્વે પૂર્ણ કરી તાત્કાલિક સહાયની રકમ ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. કચ્છમાં સૌથી વધુ નુકસાન ઘઉં, રાયડો, ઈસબગુલ અને જીરૂના પાકને થયું છે.
ખેડામાં પાકને નુકસાન પહોંચ્યું છે
ગુરુવારે વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડામાં પાકને નુકસાન પહોંચ્યું છે. માતર તાલુકામાં માવઠાના કારણે ઘઉંનો પાક બરબાદ થયો હતો. વરસાદના કારણે પલળી જવાથી ઘઉંનો તૈયાર પાક નષ્ટ થયો હતો.