Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે. બે દિવસમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં તાપમાન વધશે. નલિયામાં તાપમાન 6 ડિગ્રી વધતાં 15 ડિગ્રી પર પહોંચ્યું છે, જ્યારે અમદાવાદમાં 13 અને ગાંધીનગર 12 ડિગ્રી તાપમાન નોંધાયું.


ક્યાં સુધી બેવડી ઋતુનો થશે અનુભવ

કચ્છ અને સુરેન્દ્રનગરમાં બપોરે 35 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું તો કેટલાક સ્થળે 34 ડિગ્રી નોંધાયું છે. આગામી દિવસમાં તાપમાન વધતાં અમદાવાદનું તાપમાન 13 ડિગ્રીમાંથી 15 ડિગ્રી ઉપર નોંધાશે. 5 દિવસ તાપમાન સૂકું રહેશે. શિયાળામાંથી ઉનાળા તરફ સિઝન જવાને લઈને બેવડી ઋતુ રહેશે. ફેબ્રુઆરી સુધી બેવડી ઋતુનો અહેસાસ થશે. માર્ચ શરૂ થતાં ખરી ગરમીની શરૂઆત થશે.


ઉનાળામાં હીટ સ્ટ્રોકનો વધી જાય છે ખતરો


ઉનાળામાં કાળઝાળ ગરમીના કારણે ઘણા લોકોને કામના સંબંધમાં ઘરની બહાર જવું પડે છે, જેના કારણે હીટ સ્ટ્રોક અને ડી હાઈડ્રેશનનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે ઘણી બીમારીઓ થવા લાગે છે. બગડેલો ખોરાક અને દૂષિત વસ્તુઓ ખાવાથી પેટ ખરાબ થાય છે. જો તમે ઘરની બહાર જાવ તો આ વાતોનું ધ્યાન રાખો. આનાથી તમે ઉનાળામાં બીમાર થવાથી બચી શકો છો.


કાળઝાળ ગરમીમાં આ 5 વાતો ધ્યાનમાં રાખશો તો નહીં પડો બીમાર



  • લાંબા સમય સુધી તડકામાં ઘરની બહાર ન રહો. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે ઘરની બહાર ન નીકળવાનો પ્રયાસ કરો અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કને ટાળો.

  • જો તડકામાં બહાર જવાનું હોય તો ત્વચા પર સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો. તીવ્ર સૂર્યપ્રકાશમાં ટેનિંગ અને સનબર્ન ટાળવા માટે છત્રી, ટોપી, ભીનો ટુવાલ અને ઠંડુ પાણી સાથે રાખો.

  • બહારનો ખોરાક ખાવાનું ટાળો. ખાસ કરીને ખુલ્લું અને તળેલું ખોરાક ન ખાવું જોઈએ. ખાદ્યપદાર્થોમાં સ્વચ્છતાનું ધ્યાન રાખો અને હાથ ધોયા પછી ખોરાક ખાઓ.

  • વધુ ને વધુ પ્રવાહી પીવો. પુષ્કળ પાણી પીવો, લીંબુ પાણી પીવો. ધ્યાન રાખો કે તડકામાં ઠંડું કે બરફનું પાણી ન પીવો.

  •  ઉનાળામાં તરબૂચ, કેરી, કાકડી, ટેટી જેવા મોસમી ફળ ખાવાનું રાખો. આ સિવાય છાશ, લસ્સી,  બાયલનું શરબત કે સત્તુનું શરબત પીવો.