Gujarat Weather Update: રાજ્યમાં હાલ માત્ર કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ છે. આ દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ઝરમર વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધનગરમાં માત્ર વાદળછાયું વાતવરણ રહેશે. દક્ષિણ- પશ્ચિમ પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, તાપમાન માં હાલ કોઈ ફેરફાર નહીં થાય. અમદાવાદનું તાપમાન 35 ડિગ્રી સુધી રહશે.


રાજ્યમાંથી એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું નથી. આ સાથે સામાન્યથી વધુ તાપમાન થવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી નથી.






રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલો થયો છે વરસાદ


ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 95.5 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ઓગસ્ટ માસમાં થયેલા નબળા વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ઓગસ્ટમાં ચોમાસું નબળું રહ્યું અને તેની પાછળનું કારણ અલનીનોની અસર છે. પાછલા 10 વર્ષોમાં આ વર્ષે ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાયો છે.


સપ્ટેમ્બરમાં પણ વરસાદ આપશે હાથતાળી


ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ બહુ જ ઓછી છે. આ દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ગુજરાત સહિતના પૂર્વ તથા અન્ય ભાગોમાંથી ચોમાસું ખેંચાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેમાં રાજ્યમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. એટલે ઓગસ્ટની જેમ સપ્ટેમ્બરની શરૂઆત પણ નબળી રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ દેશની અંદર આવ્યા બાદ ઉત્તરપશ્ચિમ તરફ ફંટાઈ જવાના કારણે રાજ્યમાં વરસાદ થયો નથી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હજુ પણ રાજ્યમાં સારા વરસાદની કોઈ સંભાવના નથી અને હજુ પણ થોડો સમય વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.