દ્વારકા: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવાય રહ્યો છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ભાઈના હાથે બહેન રાખડી બાંધી રહી છે. તો તરફ રક્ષાબંધનના દિવસે જ એક યુવકનું વીજકરંટ લાગતા મોત થતા અરેરાટી મચી જવા પામી છે. ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગામે એક યુવાન ખેતરમાં પાણી વાળવા ગયો હતો તે દરમિયાન વીજ કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું છે.


આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવક જેવો ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે યુવાનને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો. યુવાનના મૃતદેહને પી.એમ અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવાર પર આભ ફાટ્યું છે. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.


પાટણમાં સમી-શંખેશ્વર હાઈવે પર આઈસર ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ



પાટણના સમી-શંખેશ્વર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, પાટણના સમી-શંખેશ્વર હાઈવે પર કાર અને આઈસર ટ્રક વચ્ચે મોડી રાતે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનોના મોત થયા હતા. ત્રણેય મૃતક યુવાનો રાધનપુર તાલુકાના વતની હોવાની જાણકારી મળી રહી છે.




પાટણમાં સમી-શંખેશ્વર હાઇવે પર સમી નર્મદા કેનાલ નજીક કાર આઈસર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સમી પોલીસ પણ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.


અમદાવાદમાં પણ ટ્રક ચાલકે અકસ્માત સર્જ્યો હતો. શહેરના સરખેજ-જુહાપુરા રોડ પર ટ્રક ચાલકે મોપેડ ચાલકને ટક્કર મારતા મહિલાનું મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.