Gujarat weather forecast next 7 days: હાલ ચોમાસાની સિઝન સત્તાવાર રીતે ચાલી રહી છે, પરંતુ ગુજરાતમાં મેઘરાજા જાણે રૂઠ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યમાં હજુ પણ સામાન્ય જનજીવન અને ખાસ કરીને ધરતીપુત્રો એટલે કે ખેડૂતો વાવણી બાદ સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.

Continues below advertisement

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 દિવસ સુધી માત્ર સામાન્યથી મધ્યમ વરસાદની જ વકી છે. હાલમાં અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાને કારણે આગામી દિવસોમાં ભારે કે અતિભારે વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી.

આજના હવામાનની વાત કરીએ તો, હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના 2 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સંઘ પ્રદેશોમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Continues below advertisement

આવતીકાલની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર પંથકમાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાં પડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી આંશિક રાહત મળશે.

આ ઉપરાંત, મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ આવતીકાલે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં સામાન્ય વરસાદી માહોલ જોવા મળશે.

સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આગામી 24 થી 48 કલાક દરમિયાન હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જોકે, મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ જોરદાર વરસાદની રાહ જોવાઈ રહી છે કારણ કે માત્ર હળવા ઝાપટાંથી ડેમો કે જળાશયોમાં પાણીની આવક થાય તેમ નથી.

પવિત્ર રથયાત્રાના પર્વ એટલે કે 16 જુલાઈ, અષાઢી બીજના દિવસે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ભગવાન જગન્નાથની નગરચર્યા દરમિયાન વરસાદના હળવા ઝાપટાં પડવાથી રથયાત્રાના દર્શનાર્થીઓ અને અમદાવાદીઓને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી થોડી રાહત મળી શકે છે.

સમગ્ર રાજ્યના વરસાદી આંકડા પર નજર કરીએ તો પરિસ્થિતિ ચિંતાજનક છે, કારણ કે ચાલુ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતા 25% ઓછો વરસાદ નોંધાયો છે. જો આગામી દિવસોમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નહીં થાય તો આ ખાધ આવનારા સમય માટે ચિંતાનો મોટો વિષય બની શકે છે.