Morbi farmers protest: જિલ્લાના જેતપર (મચ્છુ) ગામે વીજલાઈન વળતરના મુદ્દે ખેડૂતોનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઉપવાસ આંદોલન પાર્ટ-2 પૂર્ણ થયા બાદ હવે ખેડૂતોએ 'સત્યાગ્રહ પાર્ટ-3'નું રણશિંગુ ફૂંકી દીધું છે. સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલો નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર ન હોવાથી, 365 ગામોના ખેડૂતોએ એકજૂથ થઈને મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ પદયાત્રા યોજી હતી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અન્યાય સામે અવાજ ઉઠાવવા નીકળેલી આ રેલીમાં 25 થી 30 હજારની સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ ઉમટી પડ્યા હતા.

Continues below advertisement

નવા પરિપત્રનો સખત વિરોધ અને ખેડૂતોની મુખ્ય માંગણીઓ

ગુજરાત ખેડૂત છાવણી દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા 4-7-2026ના રોજ જે નવો ઠરાવ (ક્રમાંક: 20/2023/1173) બહાર પાડવામાં આવ્યો છે, તેનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે. ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ હેઠળ ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગેના આ ઠરાવમાં ખેડૂતોને ભારે નુકસાન જઈ રહ્યું હોવાની રાવ ઊઠી છે. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે ટેલિગ્રાફ એક્ટની કલમ 10(ડી) મુજબ 'ઓછામાં ઓછું નુકસાન અને પૂરેપૂરું વળતર'ના સિદ્ધાંતને આધારે ઠરાવમાં સુધારા કરવામાં આવે. જ્યાં સુધી આ સુધારા નહીં થાય ત્યાં સુધી નવા ઠરાવનો અમલ ન કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

Continues below advertisement

ખેડૂત આગેવાનોએ શું કહ્યું?

ખેડૂત સમિતિના સભ્યો પણ આ મામલે આરપારની લડાઈના મૂડમાં છે:

નેહુલ અમૃતિયા (સભ્ય, ખેડૂત સમિતિ): "અમે છેલ્લા 2 દિવસથી મીટિંગો કરીને તમામ જિલ્લાના ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા છે અને તે મુજબ જ આ માંગણીઓ તૈયાર કરી છે. 365 ગ્રામ પંચાયતોએ પોતાના લેટરપેડ પર લખીને આપ્યું છે કે આ પરિપત્ર તેમને અમાન્ય છે. જો સરકાર અમારી માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં ખેડૂતો સાથે મળીને જલદ રણનીતિ ઘડવામાં આવશે."

નિકેત પંચાસરા (સભ્ય, ખેડૂત સમિતિ): "ગત રાત સુધીમાં 365 પંચાયતોના લેટરપેડ મળી ચૂક્યા છે અને હજુ પણ આવી રહ્યા છે જેને આગામી રજૂઆતમાં જોડી દેવાશે. આ પદયાત્રામાં 25,000 થી વધુ ખેડૂતો અને મહિલાઓએ જોડાઈને આવેદન આપ્યું છે."

મિત્તલ કંડિયા (સભ્ય, મહિલા સમિતિ): "આજે ગણી ન શકાય તેટલી મોટી જનમેદની રસ્તા પર ઉતરી છે. ખેડૂતોને થતા અન્યાયના બેનરો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર અમારી માંગણીઓ સ્વીકારે છે કે નહીં."

આ પણ વાંચોઃ મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’

સરકાર અને કલેક્ટરનો ખુલાસો: "પરિપત્ર ખેડૂતોના હિતમાં છે"

બીજી તરફ, જિલ્લા કલેક્ટરે ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોની માંગણીઓ પ્રત્યે સંવેદના દાખવીને જ આ વિસ્તૃત પરિપત્ર બહાર પાડ્યો છે અને તે ખેડૂતોના હિતમાં જ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, "માર્કેટ રેટ કમિટીની રચના કરી તેમાં ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વળતરના ભાવ 200 ટકા અને ગ્રામ્યમાં 30 ટકાની જોગવાઈ પણ કરાઈ છે. ખેડૂતો ઝડપથી પોતાના પ્રતિનિધિઓની નિમણૂક કરે જેથી સમયસર વળતર મળી શકે. અગાઉ જેને વળતર મળી ગયું હોય તેને પણ વધારાનું વળતર આપવાની જોગવાઈ છે."

કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, કંપનીઓ સાથે બેઠક કરી વેલ્યુઅર નિમવા સૂચના આપી દેવાઈ છે. ખેડૂતોને 100 ટકા વળતર મળ્યા બાદ જ ખેતરોમાં થાંભલા નાખવાની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજે ખેડૂતોએ જે નવી માંગણીઓ મૂકી છે, તેને પણ યોગ્ય માધ્યમથી સરકાર સુધી પહોંચાડવામાં આવશે.