અમદાવાદઃ ચોમાસાની વિદાયની ઘડી ગણાઈ રહી છે ત્યારે જતાં જતાં પણ મેઘરાજા ધરતીપુત્રોની ચિંતા વધારી રહ્યા છે. અચાનક વરસી પડતાં વરસાદના કારણે ખેડૂતોને પાક બચાવવાનો પણ મોકો નથી મળતો. આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રામગઢ ગામે અડધો કલાકમાં પોણો ઇંચ વરસાદથી રસ્તામાં પાણી ફરી વળ્યા હતા. વરસાદના કારણે વાડી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે મગફળીના તૈયાર પાકને નુકશાન થયું છે.

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના નાજાપુર ગામે વરસાદી ઝાપટું પડ્યું હતું. ગામમાં અચાનક વરસાદી ઝાપટું વરસતા ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અમરેલીમાં બપોરે ભારે ગરમીનો અનુભવ થાય છે. જયારે સાંજ પડતા જ આકાશ વરસાદી વાદળોથી છવાઇ જાય છે. વહેલી સવારે ઠંડીનો પણ અનુભવ થઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થતા રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા 9 અને 11 ઓક્ટબરના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યભરમાં આશરે 135 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના અનેક ડેમ ઓવરફલો થઈ ગયા છે.