ગુજરાતમાં ફરી પડશે કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2021 07:18 AM (IST)
ગુજરાત બાદ સમગ્ર દેશની વાત કરીએ તો રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે.
ફાઈલ તસવીર
રાજયમાં આગામી બે દિવસ જોવા મળશે ઠંડીનો ચમકારો. હવામાન વિભાગના મતે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યારબાદ ઠંડીમાં બે દિવસમાં થોડી રાહત મળી શકે છે. જોકે બાદમાં ફરી 25 તારીખથી તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડી વધશે. રાજયમાં આજે 8.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી, અમદાવાદમાં 12.3 ડિગ્રી, રાજકોટમાં 12.9 ડિગ્રી નોંધાયું છે. ગુજરાત બાદ સમગ્ર દેશની વાત કરીએ તો રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં કડકડતી ઠંડીની સાથે ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દિલ્હી એનસીઆરમાં હજુ પણ વધારે ઠંડી પડી શકે છે. હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં 23 જાન્યુઆરીના રોજ ફરીથી એક વખત બરફવર્ષા થઈ શકે છે. વિભાગ અનુસાર મેદાની વિસ્તારમાં સામાન્ય જ્યારે પહાડી વિસ્તારમાં ભારે બરફવર્ષા થશે.