અમદાવાદઃ જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ‘ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે’ એવુ ટ્વિટ એક જૂના પુસ્તકને ટાંકીને કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના વિવાદાસ્પદ ટ્વીટ સામે સણસણતો જવાબ આપીને કહ્યું છે કે, કેટલાક લોકો ભારતને અને ભારતીયોને વિભાજીત કરવા માગે છે પણ ભારતીયો એક છે.


ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ફિલીપ સ્પ્રાટના લેખનને ટાંકી ટ્વીટ કરી હતી કે, "ગુજરાત આર્થિક રીતે અગ્રેસર હોવા છતાં, સાંસ્કૃતિક રીતે પછાત પ્રાંત છે. તેનાથી વિરૂધ્ધ બંગાળ આર્થિક રીતે પછાત છે પણ સાંસ્કૃતિક રીતે અગ્રેસર છે".


ગુહાએ ફિલિપ સ્પ્રાટના 1939ના લેખનમાંથી આ અવતરણ ટાંક્યું હતું, સ્પ્રાટ બ્રિટિશ લેખક અને બુધ્ધિજીવી હતો. સ્પ્રાટ પોતાની સામ્યવાદી વિચારધારા માટે જાણીતો છે.



ગુહાના આ ટ્વિટ સામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સણસણતો જવાબ આપ્યો છે. વિજયભાઈ રૂપાણીએ ટ્વીટ કરી કહ્યુ કે, અગાઉ બ્રિટિશરો હતા કે જેમણે ભાગલા પાડો અને રાજ કરો એ નીતિ અપનાવી હતી.  હવે આવા કહેવાતા ભદ્ર લોકો છે કે જે ભારતીયોમાં ભાગલા પાડવા મથે છે.


ભારતીયો આ ષડયંત્રોનો શિકાર નહીં બને.


ગુજરાત મહાન છે, બંગાળ મહાન છે,  ભારત સંયુક્ત છે.


આપણો સાંસ્કૃતિક પાયો મજબૂત છે, આપણી આર્થિક આકાંક્ષાઓ ઉંચી છે.