ગાંધીનગરઃ ગુજરાત કાતિલ ટાઢની લપેટમાં આવી ગયું છે અને  થોડાક દિવસથી રાજ્યમા ઠંડીનું જોર વધતાં કાતિલ ઠંડી પડી છે. અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જ્યારે ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું.


જુનાગઢમાં હાડ થિજાવી દે તેવી ઠંડી પડી હતી અને 8.2 સે, તાપમાન નોંધાયું હતું જ્યારે ગિરનાર પર 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. મંગળવારે  રાજકોટ,પોરબંદર, મોરબી, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, વડોદરા, સુ.નગર, ભાવનગર, અમરેલી સહિત રાજ્યમાં કોલ્ડ વેવની ચેતવણી અપાઈ છે.


ગુજરાતીઓ ઠંડીથી થથરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડશે એવી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઉત્તરમાં ઠંડા પવનો ફૂંકાયા હતા તેના કારણે ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે.


અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા છે. અમદાવાદમાં 10 વર્ષ બાદ જાન્યુઆરી મહિનામાં સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે.


રાજ્યનાં દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં રાજ્યનાં 16 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાતા રાજ્યમાં લોકો હાડ થીજવતી ઠંડીમાં થથરી રહ્યાં છે ત્યારે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા છે


ગુજરાતમાં 2014 પછી પહેલી વાર એવું બન્યું છે કે, સળંગ બે મહિના ઠંડીનું જોર રહ્યું હોય. અગાઉ 2013ના ડિસેમ્બર અને 2014ના જાન્યુઆરીમાં 62માંથી 30 દિવસ કાતિલ ઠંડી પડી હતી. એ વખતે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. નલિયાનું સરેરાશ તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.


અમદાવાદનું 2 મહિનાનું સરેરાશ તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. હવે 8 વર્ષ પછી અમદાવાદમાં કદી ના જોવા મળ હોય એવી ઠંડી પડી રહી છે. ડીસેમ્બર અને જાન્યુઆરીના સળંગ બે મહિના ગુજરાતના મોટાભાગના શહેરો માટે ઠંડાગાર રહ્યા છે.


ઠંડીની વચ્ચે રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4361, વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત   કોર્પોરેશનમાં 1136,   રાજકોટ કોર્પોરેશનમાં 889, વડોદરા 721,  ગાંધીનગર કોર્પોરેશન 325, ભાવનગર કોર્પોરેશન 295, કચ્છ 282, મોરબી 267, રાજકોટ 260, પાટણ 242, સુરત 238, મહેસાણા 231, ભરુચ 190, નવસારી 160, બનાસકાંઠા 156, આણંદ 150, ગાંધીનગર 148, વલસાડ 141, જામનગર કોર્પોરેશન 140, સુરેન્દ્રનગર 113, અમરેલી 109, ખેડા 89, અમદાવાદ 80, પંચમહાલ 76, નર્મદા 57, જૂનાગઢ કોર્પોરેશન 54, પોરબંદર 52, સાબરકાંઠા 45, ગીર સોમનાથ 43, જામનગર 43, દાહોદ 39, જૂનાગઢ 31, ભાવનગર 27, તાપી 19, છોટા ઉદેપુર 17, મહીસાગર 17, અરવલ્લી 14, દેવભૂમિ દ્વારકા 7, બોટાદ 6 અને ડાંગમાં 1 કેસ નોંધાયો છે. 


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 135148 કેસ છે. જે પૈકી 284  વેન્ટીલેટર પર છે, જ્યારે 134864 નાગરિકો સ્ટેબલ છે. 930938 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,274 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 25 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા  કોર્પોરેશનમાં 3,  સુરત કોર્પોરેશન 3,રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા 1, ભાવનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સુરત 1,  મહેસાણા 1, વલસાડ 1, જામનગર કોર્પોરેશન 3, પંચમહાલ 1, ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે.