જ્ઞાન પ્રકાશ સ્વામીની જલારામબાપા પર ટિપ્પણીથી રઘુવંશી સમાજ લાલધૂમ, આવતીકાલે સમાજની બેઠક

સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામબાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીમાં તેમણે દાવો કર્યો હતો કે જલારામબાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે.

Continues below advertisement

Raghuvanshi community protest: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી તાજેતરમાં જલારામબાપા વિશે કરેલી એક ટિપ્પણીને લઈને વિવાદમાં સપડાયા છે. સ્વામીએ કરેલા નિવેદનથી રઘુવંશી સમાજ અને જલારામબાપાના લાખો ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. પરિસ્થિતિ વણસતી જોઈને, સ્વામીએ તાત્કાલિક માફી માંગી છે, પરંતુ તેમ છતાં આ મુદ્દો શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. આવતીકાલે યાત્રાધામ વીરપુરમાં આ મામલે રઘુવંશી સમાજ અને ગ્રામજનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Continues below advertisement

સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જલારામબાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીમાં તેમણે દાવો કર્યો હતો કે જલારામબાપાનો ઇતિહાસ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. તેમણે એમ પણ કહ્યું કે જલારામબાપાએ ગુણાતીતાનંદ સ્વામી પાસેથી સદાવ્રત કાયમી ધોરણે ચલાવવા માટે આશીર્વાદ માંગ્યા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ ભંડાર કાયમ ભરેલો રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. વધુમાં, સ્વામીએ એમ પણ જણાવ્યું કે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી વીરપુર આવ્યા હતા, ત્યારે જલારામબાપાએ તેમને દાળ અને બાટી જમાડ્યા હતા.

આ નિવેદન જલારામબાપાના ભક્તો અને રઘુવંશી સમાજને ગમ્યું ન હતું અને તુરંત જ તીવ્ર પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી. લોકોએ સ્વામીના નિવેદનને જલારામબાપાના ઇતિહાસ સાથે ચેડાં કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

જલારામબાપાના વંશજ ભરતભાઈ ચંદ્રાણીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જલારામબાપાએ 205 વર્ષ પહેલાં ભોજલારામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું, જે આજે પણ અવિરત ચાલી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાખો ભક્તો આ સત્ય જાણે છે અને સ્વામીના નિવેદન સાથે ગાદીપતિ કે જલારામબાપા પરિવારનું કોઈ સમર્થન નથી.

વીરપુરના ગ્રામજનો, રઘુવંશી સમાજ અને જલારામબાપાના ભક્તોએ એકસૂરે સ્વામી જ્ઞાન પ્રકાશની ટિપ્પણીને વખોડી કાઢી હતી. તેમણે માંગ કરી હતી કે સ્વામી જલારામબાપાના ઇતિહાસ વિશે આવી ટિપ્પણીઓ કરવાનું બંધ કરે અને જો તેમની પાસે કોઈ આધારભૂત સાહિત્ય હોય તો તે વીરપુર લઈને આવે. લોકોએ જલારામબાપાના ઇતિહાસ સાથે કોઈ પણ પ્રકારના ચેડાં નહીં સાંખી લેવાય તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી અને સદાવ્રત ભોજલારામ બાપાના આશીર્વાદથી જ ચાલતું રહેશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઘણા લોકોએ એવી પણ શક્યતા વ્યક્ત કરી હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશ કદાચ પોતાના ધર્મના પ્રચાર માટે આવી ટિપ્પણી કરી રહ્યા હશે.

પરંતુ લોકોની મુખ્ય માંગ એ હતી કે સ્વામી જ્ઞાન પ્રકાશ તાત્કાલિક વીરપુર આવીને જલારામબાપાની માફી માંગે. આ સમગ્ર વિવાદને ધ્યાનમાં રાખીને, આવતીકાલે વીરપુરમાં ગ્રામજનો, વેપારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ મુદ્દે આગળ શું કરવું તેની રણનીતિ નક્કી કરવામાં આવશે.

દરમિયાન, વિવાદ વધતો જોઈને જ્ઞાન પ્રકાશ સ્વામીએ તાત્કાલિક નરમ વલણ અપનાવ્યું હતું અને માફી માંગતો એક વિડિયો જાહેર કર્યો હતો. વિડિયોમાં સ્વામીએ જલારામબાપાના ચરણોમાં વંદન કરીને કહ્યું હતું કે તેમણે એક પુસ્તક અને મેગેઝિનમાં વાંચેલા પ્રસંગના આધારે જલારામબાપાના મહિમા વિશે વાત કરી હતી. તેમનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નહોતો અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ માફી માંગે છે. સ્વામીએ વિડિયો પણ ડીલીટ કરી દીધો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો....

પાટણ કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ મોબાઈલથી રીલ બનાવી વાયરલ કરી, પ્રશાસન સામે સવાલો ઉઠ્યા

Continues below advertisement
Sponsored Links by Taboola