ગુજરાતમાં H3N2 વાયરસે તરખાટ મચાવ્યો છે.  H3N2 વાયરસથી સૌથી પહેલું મોત વડોદરામાં નોંધાયું છે.  65 વર્ષીય એક વૃદ્ધા છેલ્લા એક અઠવાડિયાથી H3N2 વાયરસથી સંક્રમિત હતા.   તેમને શરદી,  ઉધરસ,  તાવ અને હાઈપર ટેન્શન સહિતની બીમારીઓ હતી.  એક અઠવાડિયા સુધી વૃદ્ધાએ મેડિકલ સ્ટોર પરથી દવા લઈને ચલાવ્યું હતું.  પરંતુ બાદમાં તકલીફ વધી જતાં ખાનગી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવા પડ્યા હતા.  જો કે, સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. 


ડૉક્ટરોના  મતે આ વાયરસ કોરોનાનું નવું સ્વરૂપ છે.  જેમાં લોકોએ જાતે દવા ન લેવી જોઈએ.  ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ.  વૃદ્ધાના મોત બાદ વડોદરા મહાનગરપાલિકા સફાળી જાગી છે. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડના આઈસોલેશન વોર્ડની તૈયારીઓ પણ કરવામાં આવી છે.  


દેશમાં સિઝનલ ઈન્ફલ્યુએન્ઝાના વધતા કેસો વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણીની સાથો સાથ સાવચેતીના પગલારૂપે કેટલાક જરૂરી સૂચનો પણ કર્યા છે. આરોગ્ય નિષ્ણાતોએ  ફ્લૂ રસી ડ્રાઈવ પર ભાર મૂકવાનું આહ્વાન કર્યું છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના ઝડપી પ્રસાર વિશે ચેતવણી આપતાં પદ્મશ્રી ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, લોકોએ ચહેરાના માસ્ક અને વારંવાર હાથની સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ રસીકરણ કરાવવું જોઈએ.


સિઝનલ ઈન્ફલ્યુએન્ઝાથી દેશમાં અત્યાર સુધીમાં બે મોત થયા છે. કર્ણાટક અને હરિયાણામાં એક-એક મૃત્યુની પુષ્ટિ થઈ છે. ડૉ. રણદીપ ગુલેરિયાએ નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યું. તેમણે કહ્યું હતું કે, કાં તો લોકો કોવિડ-યોગ્ય વર્તન (CAB)ને અનુસરી શકે છે અથવા રસી લઈ શકે છે. ડૉ. રણદીપ ગુલેરિયા નાગપુરમાં એકેડમી ઑફ મેડિકલ સાયન્સ (AMS) દ્વારા આયોજિત કોન્ફરન્સમાં બોલી રહ્યા હતા.


શું માસ્ક ફરીથી ફરજિયાત બનાવવું જોઈએ?


જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું માસ્ક ફરીથી ફરજિયાત બનાવવું જોઈએ,? તેનો જવાબ આપતા ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે, માસ્કનો ઉપયોગ કરવાની જરૂર છે કારણ કે તે એક ટીપાનું સંક્રમણ છે અને ઉધરસ દ્વારા ફેલાય છે. કેટલીકવાર બાળકોને શાળાઓમાં ચેપ લાગે છે અને તે વડીલો સુધી પહોંચાડે છે જેઓ વધુ ગંભીર બીમારીથી પીડાતા હોય છે. એટલા માટે આપણે માસ્ક પહેરવા જોઈએ, નિયમિત હાથ ધોવા જોઈએ અને સામાજિક અંતર પણ જાળવવું જોઈએ.


રસીકરણ પર ભાર મૂકવો જરૂરી


ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે, બીજો વિકલ્પ એ છે કે હાઈ-રિસ્ક ગ્રુપને અલગ રાખવું. જેમ કે વૃદ્ધો અને અન્ય બીમારોને અલગ કરવા અને બધા માટે રસીકરણનો આગ્રહ રાખવો. તેમણે કહ્યું હતું કે, ઈન્ફલ્યુએન્ઝા જૈબ દર વર્ષે નવી રસીના સ્વરૂપમાં આવે છે અને આ રસી ઈન્ફલ્યુએન્ઝા A અને B અને તેના પેટા પ્રકારોને પણ આવરી લે છે.


કોવિડ-યોગ્ય વર્તનને અનુસરો


તેમણે કહ્યું હતું કે, ઈન્ફલ્યુએન્ઝાની લહેર એ વાર્ષિક ઘટના છે, પરંતુ આ વર્ષે ચેપ ઘણા કારણોસર વધારે છે. ઈન્ફલ્યુએન્ઝા એ પેટા પ્રકાર H1N1 (સ્વાઈન ફ્લૂ) 2009માં પ્રબળ વાયરસ હતો. હવે આપણે H3N2 જોઈ રહ્યા છીએ, જે ઈન્ફલ્યુએન્ઝા Aનો પેટા પ્રકાર છે. તે પહેલા પણ દેખાઈ ચૂક્યું છે, પરંતુ આ વખતે તેનું જીન અલગ છે અને તેથી તે વધુ ચેપી છે. અમે કોવિડ-યોગ્ય વર્તન (CAB)ને અનુસરી રહ્યા છીએ જે તમામ શ્વસન રોગોને લાગુ પડે છે, પરંતુ લોકો હવે માસ્કનો ઉપયોગ કરતા નથી અથવા હાથની સ્વચ્છતા જાળવતા નથી.


દેશમાં H3N2ના કેટલા કેસ છે?


સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, 2 જાન્યુઆરીથી 5 માર્ચ સુધીમાં દેશમાં H3N2ના 451 કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયે એક એડવાઈઝરીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)એ લોકોને સાબુથી હાથ ધોવા અને ભીડવાળા સ્થળોએ જવાનું ટાળવા, માસ્ક પહેરવા, છીંક અને ખાંસી વખતે મોં અને નાક ઢાંકવા વિનંતી કરી હતી. સંસ્થાએ લોકોને તાવ અને શરીરના દુખાવાના કિસ્સામાં પેરાસિટામોલ દવા લેવાની સલાહ પણ આપી છે.