નવી દિલ્હીઃ ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા મામલે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે 12 લોકોને દોષિત ઠેરવ્યા છે. નોંધનીય છે કે 26, માર્ચ 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન પાસે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા થઈ હતી. એક ગાડી માં લોહીલુહાણ હાલતમાં હરેન પંડ્યા નું મૃતદેહ મળ્યો હતો. કેસની ટ્રાયલ માં તમામ પુરાવાઓ નું મૂલ્યાંકન બાદ સીબીઆઈ કોર્ટે આ કેસના ૧૨ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને આજીવન કેદની સજા ફટકારી હતી. દોષિતોએ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
આ અપીલની સુનાવણી બાદ ઓગસ્ટ 2011માં ગુજરાત હાઇકોર્ટે હરેન પંડ્યા હત્યા કેસના 12 આરોપીઓને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા જેને પગલે ગુજરાત સરકાર અને સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. નોંધનીય છે કે સીબીઆઇના મતે 2002માં થયેલા ગુજરાત રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી.
જસ્ટિસ અરુણ મિશ્રાની નેતૃત્વની ખંડપીઠે આ મામલામાં ગુજરાત ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો અને ગુજરાત હાઇકોર્ટના 2011ના ચુકાદાના ફગાવ્યો હતો જેમાં હત્યાના 12 આરોપીઓને નિર્દોષ છોડી મુકાયા હતા. સીબીઆઇએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દ્ધારા દાખલ એક અરજીને ફગાવી દીધી હતી જેમાં આ કેસની ફરીથી તપાસ કરવાની માંગ કરી હતી અને એનજીઓ પર 50 હજારનો દંડ પર ફટકાર્યો હતો.