ગાંધીનગર:  રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હવે ત્રીજી લહેરના એંધાણ દેખાવા લાગ્યા છે. નેતાઓના કાર્યક્રમોમાં દુનિયાભરના તમાશા થયા બાદ હવે ઋષિકેશભાઈને જ્ઞાન થયું છે કોરોનાનું સંક્રમણ વધ્યું છે. પક્ષ કે સરકારના કાર્યક્રમ પર સવાલ ન ઉઠાવનાર ઋષિકેશભાઈ હવે ત્રીજી લહેરના સંકેત આપવા લાગ્યા છે. પરંતુ રાજકીય પક્ષોએ છેલ્લા 15 દિવસમાં અનેક તમાશાઓ કર્યા છતાંય હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ.  સરકારના મંત્રીઓ શાસક, વિપક્ષના નેતાઓ વધતા સંક્રમણની વચ્ચે પણ કાર્યક્રમો યોજતા રહ્યા અને ભીડ ભેગી કરી કોરોનાના નિયમોનો દાટ વાળતા રહ્યા. જેનું પરિણામ છે કે, દસ દિવસ અગાઉ રોજના 50 કરતા પણ ઓછા કેસ હતા તે વધીને એક હજારને પાર નોંધાવા લાગ્યા છે. 



અમદાવાદમાં ભાજપના ડોક્ટર સેલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા. જ્યાં નેતાઓની રેલી અને કાર્યક્રમોમાં કોરોનાના નિયમો તૂટ્યા બાદ મુ્ખ્યમંત્રીએ કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાની સલાહ આપી હતી. સીએમ ભુપેંદ્ર પટેલે કહ્યું કે કોરોના સંક્રમણના આંકડા મોટા હોઈ શકે પણ બીજી લહેર જેવું ખતરનાક નહિ હોય. 


દેશના આ રાજ્યમાં કડક પ્રતિબંધો લાગૂ


પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ખતરો વધી ગયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકારે નવા કોરોના પ્રતિબંધો લાગૂ કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે નિવેદન જાહેર કરી કહ્યું કે કાર્યાલયોમાં 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર જરુરિયાતની સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.


પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચ કે દ્રિવેદીના  (West Bengal Chief Secretary H K Dwivedi) મુજબ રાજ્યમાં લોકલ ટ્રેન  (Kokata Local) સોમવારથી  50 ટકા ક્ષમતા સાથે સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. જિમ પણ બંધ (Gym Parlor closed) રહેશે. કાલથી તમામ સ્કૂલ કૉલેજ, યુનિવર્સિટી, સ્પા, સલુન, બ્યૂટી પાર્લર, ચિડિયાઘર અને મનોરંજન પાર્કને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


પશ્ચિમ બંગાળ (West Bengal) માં એક જાન્યુઆરીએ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 16 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યુંકે એક સંક્રમિત ઓરિસ્સાથી આવ્યો હતો, જ્યારે એક અન્ય વ્યક્તિ પ્રદેશના ઉત્તર 24 પરગના જિલ્લાના પેટ્રોપોલમાં ભારત-બાંગ્લાદેશ અંતરરાષ્ટ્રીય સરહદ પર ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે બંને સંક્રમિતોની સારવાર કોલકાતામાં ચાલી રહી છે.