ગુજરાતમાં હાલ મે મહિનાની શરુઆતમાં જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. હાલ રાજ્યના મુખ્ય શહેરો સહિત ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલની સ્થિતીએ એવું લાગી રહ્યું કે જાણે ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે. આ સાથે રાજ્યનાં 8 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 45ને પાર થઈ ગયું છે. આ ગરમીથી બચવા માટે લોકો હાલ બહાર જવાનું પણ ટાળી રહ્યા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ચાર દિવસ સુધી આવી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહિ કરી હતી અને ત્યાર બાદ આંશિક રાહત મળી શકે છે.


આજે જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે તે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સવારથી જ ગરમીની શરુઆત થઈ ગઈ હતી. આજે બપોરે અમદાવાદ શહેરનું તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં પણ સુરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત રાખ્યું હતું અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ, એસી કુલરનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.


રાજ્યમાં ગરમીના આંકડાઃ
અમદાવાદ 47 ડીગ્રી, અરવલ્લી 41 ડીગ્રી, આણંદ 45 ડીગ્રી, બનાસકાંઠા 44 ડીગ્રી, ભરુચ 44 ડીગ્રી, બોટાદ 45 ડીગ્રી, છોટાઉદેપુર 41 ડીગ્રી, દાહોદ  44 ડીગ્રી,  દ્વારકા 33 ડીગ્રી, ગીર સોમનાથ  42ડીગ્રી , જામનગર 37 ડીગ્રી, જૂનાગઢ 41 ડીગ્રી, ખેડા 46 ડીગ્રી, કચ્છ 42 ડીગ્રી,  મહેસાણા 46 ડીગ્રી, મોરબી 43 ડીગ્રી, નર્મદા 44 ડીગ્રી, પંચમહાલ 45 ડીગ્રી, પોરબંદર 34 ડીગ્રી, રાજકોટ 43 ડીગ્રી, સાબરકાંઠા 45 ડીગ્રી, સુરત 37 ડીગ્રી, સુરેંદ્રનગર 45 ડીગ્રી, વડોદરા 44 ડીગ્રી.