આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમીથી રાજ્યના નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવામાન વિભાગે આગામી બે દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બુધવારે ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


અમદાવાદમાં અગનવર્ષાના વધુ એક રાઉંડનો પ્રારંભ થયો છે. રવિવારે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ છેલ્લા એક સપ્તાહમાં બીજીવાર બન્યું છે.


આગામી બે દિવસ અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં દસ વર્ષમાં મે મહિનામાં ગરમીનો પારો 44ને પાર થયો હોય તેવુ ઓછામાં ઓછુ સાત વર્ષે બન્યું છે.


રાજ્યના અન્ય શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 44.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. વડોદરામાં ગરમીનો પારો 43.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. ગાંધીનગર અને સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 43.5 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.


રાજકોટમાં ગરમીનો પારો 42.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. અમરેલીમાં ગરમીનો પારો 42.2 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. જ્યારે ભાવનગરમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને ડિસામાં ગરમીનો પારો 41.6 ડિગ્રી સુધી પહોંચ્યો હતો.


ભૂજમાં ગરમીનો પારો 41.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 40.5 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો બીજી બાજૂ જનતા ગરમીથી તોબા પોકારી રહી છે.


ગરમીથી રાહત મેળવવા હીલ સ્ટેશન અને ઠંડા પ્રવાસન સ્થળોની મુલાકાતે લોકો પહોંચી રહ્યા છે. ઉત્તર ગુજરાતના લોકો માઉંટ આબુ, દક્ષિણ ગુજરાતના લોકો સૌથી વધુ સાપુતારા તો સૌરાષ્ટ્રના લોકો દીવ અને પોરબંદર ફરવા અને ઠંડીથી રાહત મેળવવા જઈ રહ્યા છે.


સામાન્ય રીતે મે માસના બીજા અઠવાડિયમાં લૂ લાગતી હોય છે. પરંતુ આ વર્ષે તો એપ્રિલ માસથી જ લૂ લાગવાની શરૂઆત થઇ ગઇ હતી. એકબાજુ દેશભરમાં પ્રચંડ ગરમી પડી રહી છે. ઉત્તર ભારતમાં રાજસ્થાન, યુપી, બિહાર , મધ્યપ્રદેશ સહિતના રાજ્યો આકરા તાપમાં તપી રહ્યા છે.