Gujarat Weather: હવામાન વિભાગે આજે જાહેર કરેલા તાજા અનુમાન મુજબ, ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગ અનુસાર કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.


બીજી તરફ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદર અને રાજકોટમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગે રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અનેક સતર્કતાના પગલાં લીધા છે.


મુખ્યમંત્રીએ આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતીકાલે રાજ્યભરમાં પ્રાથમિક શાળાઓ બંધ રાખવામાં આવશે.


વધુમાં, મુખ્યમંત્રીએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સ સાથે વાતચીત કરી છે અને પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવા સૂચના આપી છે.


કેન્દ્રીય ગૃહમંત્રી પણ ગુજરાતની આ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. સરકારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.


હાલના વરસાદના રાઉન્ડ સાથે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવે સરેરાશ વાર્ષિક વરસાદના 105 ટકાથી વધુ વરસાદ થયો છે, જે રાજ્યમાં સૌથી વધુ છે.


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાઓમાં તેમના સરેરાશ વાર્ષિક વરસાદના 100 ટકાથી વધુ પ્રાપ્ત થયા છે. SEOCના આંકડાઓ દર્શાવે છે કે આ સિઝનમાં અત્યાર સુધીમાં અન્ય તમામ જિલ્લાઓમાં સરેરાશ વાર્ષિક વરસાદના 50 ટકાથી વધુ નોંધાયા છે.


પરેશ ગોસ્વામીની આગાહી


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્ય માટે ચેતવણી આપી છે કે આગામી 36 40 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ હવે ગુજરાત નજીક ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. છેલ્લા 24-36 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં 2થી 12 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. પરંતુ આગામી સમયમાં આનાથી પણ વધુ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે અને ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધશે.


તે કચ્છ થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે એવી સંભાવના છે. વિશેષ ચેતવણી આપતા તેમણે કહ્યું કે અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ તમામ જિલ્લાઓને ખતરનાક ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આટલો ભારે વરસાદ પડવાથી શહેરી વિસ્તારોમાં પણ નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ


Rain Alert: આગામી 36 કલાકમાં મેઘતાંડવ જોવા મળશે, 14 જિલ્લાઓ છે ડેન્જર ઝોનમાઃ પરેશ ગોસ્વામીની આગાહી