Kutch Rain:મૂશળધાર વરસાદના કારણે પૂર્વ કચ્છનું ગાંધીધામ અને આદિપુર જળમગ્ન બન્યું છે. અનારાધાર વરસાદના કારણે ગાંધીધામનું મહારાણા સર્કલ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. માર્ગો પર કમર સુધી પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ગાંધીધામ એસટી બસ સ્ટેશન બહાર તો નદી વહેતી હોય તેમ દ્રશ્યો સર્જાયા  છે.


ગાંધીધામ અંજાર હાઈ વે પર પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિક પણ ખોરવાયો છે. 5 કીલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.  કચ્છમાં અંજારની સાંગ નદીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું છે. જીવના જોખમે પોલીસ કર્મચારીઓએ 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના એલર્ટના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી સલામત સ્થળે ખસી જવા  સૂચના આપવામાં આવી છે.


કચ્છ જિલ્લામાં  ભારે વરસાદ હવે આફતરૂપ બન્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘુંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે.પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના પગલે  વર્ષો બાદ ટપ્પર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. અહીં નદીના પટમાં લોકોને ન જવા સૂચના અપાઇ છે.


અંજારમાં પડેલ ભારે વરસાદના કારણે ખેતીની જમીનને મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખેતરો જળમગ્ન થઇ ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં કમર સુધીના પાણી  ભરાઇ છે.ખેડુતોએ તાજેતરમાં વાવેલા મગફળી, કપાસ નું સંપૂર્ણ રીતે ધોવાણ  થઇ ગયું છે. કચ્છમાં એક તરફ વાવાઝોડાના કારણે ખેડૂતો પરેશાન થાય હતો તો હવે ભારે  વરસાદના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ જતાં મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.


અંજાર પંથકમાં અનારાઘાર વરસાદના કારણે ગળપાદર  નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં ઘોડાપુર આવતા કેટલાક લોકો ફસાયા હતા. કાલે રાત્રે કચ્છ કલેકટર અમિત અરોરા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ટીમ તથા સ્થાનિક ટીમ દ્વારા રસ્ક્યુ  ઓપરેશન કરવામાં આવ્યું હતું,  જો કે સદભાગ્યે ત્રણેયને સહી સલામત બચાવી લેવામાં સફળતા મળી હતી.  તો બીજી તરફ   અંજારના વરસામેડીમાં ખેડૂત પાણીની વચ્ચે ફસાયો હતો. બીએસએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી.