Gujarat Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ગઇ કાલ સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં અનેક જગ્યાએ નુકસાનના અહેવાલ મળ્યાં છે. ક્યાં કેટલો વરસાદ પડ્યો આંકડા પર નજર કરીએ
રાજ્યમાં ગઇ કાલ સાંજે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો હતો. કચ્છના અંજારમાં સૌથી વધુ 1.61 ઇંચ વરસાદ પડ્યો તો રાજકોટના ધોરાજી અને ભાવનગરના પાલીતાણા 1.35 ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરના સિંહોરમાં 1.15 ઇંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં પણ ગઇકાલે સાંજે વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો અહીં બોપલ, સેલા, ગોતા, પાલડી. પ્રહલાદ નગર, સેટેલાઇટ વિસ્તાર સહિતના વિસ્તારમાંવરસાદ પડતાં રસ્તા પર પાણી ભરાઇ ગયા હતા.વરસાદના મેચમાં પણ વિધ્નરૂપ બન્યો હતો. ફાઈનલમાં અડધા મેચથી ફરી વરસાદ વિઘ્ન રૂપ બનતા મેચ રોકાઇ હતી. બીજી ઇનીંગના 3 બોલ બાદ જ વરસાદ આવતા મેચ રોકાઈ હતી.
ભાવનગર જિલ્લામાં પડી રહેલા કમોસમી વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે. ભાવનગરના ખોખરામાં આવેલ નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળતી નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે આ પ્રકારના દ્રશ્યો ચોમાસામાં જોવા મળતા હોય છે પરંતુ કમોસમી વરસાદમાં ભર ઉનાળે નદીમાં પાણી આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. અહીં ભરઉનાનળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયો છે.
બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે ખેતરોમાં અંધારપટ છવાઇ ગયો હતો.
ધાનેરા વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા ધાનેરા,દાંતીવાડા પંથકમાં ફૂંકાઈ રહ્યો છે ભારે પવન સાથે અહીં વરસાદ શરૂ થતાં ભારે પવનના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ડુંડે આવેલી બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ગઇ કાલે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે થયેલ વરસાદના કારણે માલધારી પર પણ આભ તૂટી પડ્યું હોવાની સ્થિતિ સર્જાઇ હતી. મોડસર ગામની સીમમાં વીજળી પડતાં મોડસરના માલધારીના 28 ઘેટા-બકરાનું મોત નિપજ્યું. એકસાથે 28 પશુઓના મોત થતા માલધારી પરિવાર પર મુશ્કેલીનો આભ તૂટી પડ્યું.કાલે ભુજના આહીરપટ્ટી વિસ્તારના ગામોમાં ભર ઉનાળે તોફાની વરસાદ ખાબકતા. ઠેરઠેર વ્રુક્ષો ધરાશાયી થયા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દાળીયા ગામે અતિ ભારે પવન કારણે વૃક્ષ ધરાશયી થતા ખેડુતના ટ્રેકટરને નુકશાન પહોંચ્યું હતું. જિલ્લામાં સૌથી વધુ ગોંડલ તાલુકામાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે પવન અને કરા સાથે વરસાદ પડતા અનેક જગ્યા પર પતરા અને છાપરા ઉડયા હતા.
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં કરા સાથે તોફાની વરસાદ પડતાં.તાલુકાના અનેક ગામોમાં 2 થી 3 ઈંચ વરસાદ પડ્યો.કોલીથડ,હડમતાળા,પડવલા, નાગડકા,પાટીયાળી,પાંચીયાવદર, ભૂણાવા, બાદરા સહિતના ગામોમાં 2થી3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પડવલાની છાપરવડી નદીમાં નવા નીર આવ્યાં છે. તો ભર ઉનાળે છાપારવાડી નદી બે કાંઠે ગઈ છે. છાપરવડી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે.
સુરત શહેરમાં પણ ગઇ કાલે વીજકડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે 36 વૃક્ષો ધરાશાયી થયા હોવાનું નોંધાયું છે. સાંજના સમયે 20 થી 40 કિ મીની ઝડપે શહેરમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદના અને પવનના કારણે વીજ પોલને નુકસાન થતાં કેટલાક વિસ્તારમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. અહીં વૃક્ષ ધરાશાયી થતાં એક આધેડનું મોત થયું છે તો ત્રણ પશુએ પણ જીવ ગુમાવ્યો છે.