રાજ્યમાં આઠ સપ્ટેમ્બરથી 10સપ્ટેમ્બર વચ્ચે મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે. જે આઠ સપ્ટેમ્બર સુધી મજબુત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે અમદાવાદ સહિત મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે અને કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ વરસી શકે છે.


રાજ્યમાં હજુ સુધી ચોમાસુ સામાન્ય રહ્યું છે અને સરેરાશ 16.46 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 49.78 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 12 જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. જ્યારે પાંચ તાલુકામાં હજુ સુધી કુલ પાંચ ઈંચ વરસાદ પણ નથી વરસ્યો છે. જો કે હવામાન વિભાગે આઠ સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.


આગામી સાતથી દસ સપ્ટેમ્બર દરમિયાન અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યના જે જિલ્લામાં હજુ વરસાદની 50 ટકા વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં 63 ટકા સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે.


સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદની 41 ટકા ઘટ છે. રાજ્યમાં વાવ, થરાદ, સાંતલપુર, લાખણી અને લખપત તાલુકામાં કુલ પાંચ ઈંચ વરસાદ પણ નથી નોંધાયો છે.


રાજ્યમાં વાવ-થરાદ-સાંતલપુર-લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠાના વાવમાં સૌથી ઓછો ૩.૦૩ ઈંચ, થરાદમાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.



દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા નહોતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.