રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. જો કે આવતીકાલથી ત્રણ દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આજે કેટલાક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ છુટોછવાયો વરસાદ આવી શકે છે. આવતીકાલથી બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ વરશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 24 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. 24 અને 25 જુલાઈએ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામા આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
ચોમાસાના પ્રથમ રાઉંડમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળી નાંખ્યું છે. જોકે બનાસકાંઠામાં તો હજુ જોઈએ તેવો વરસાદ જ વરસ્યો નથી. જોકે બે દિવસ પૂર્વે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. સારો વરસાદ વરસે અને સારૂ ઉત્પાદન થાય તેવી આશા સાથે ખેડૂતોએ ચોમાસુ વાવેતરના શ્રીગણેશ કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો માંડ 37 ટકા જ વરસાદ નોંધાયો છે. તેમાંય બનાસકાંઠાના ધાનેરા, સૂઈગામ, વાવ સહિતના વિસ્તારોમાં તો હજુ માંડ 10થી 20 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. દાંતા, વડગામ, પાલનપુર, અમીરગઢ અને ડીસા સહિતના વિસ્તારમાં થોડો ઘણો વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કર્યા છે.
ગત વર્ષ કરતા આ વખતે બિયારણ અને ખાતરના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે એક હેકટર જમીનમાં વાવેતર ખર્ચમાં પણ 15થી 20 ટકાનો વધારો થયો છે. બીજી તરફ પાણીના તળ પર સતત ઊંડા જઈ રહ્યા છે. 800થી 1 હજાર ફૂટે હાલ પાણી મળી રહ્યું છે. ખેડૂતોએ વાવેતર તો કરી દીધું પરંતું જો હવે વરસાદ ન વરસ્યો તો ખેડૂતોને વ્યાપક નુકસાન જવાની ભીતિ છે. જ્યારે ખેતીવાડી વિભાગના મતે વરસાદ ઓછો હોવા છતા ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે વાવેતરમાં વધારો થયો છે. ખેતીવાડી વિભાગનો દાવો છે કે 14 તાલુકામાંથી 12 જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે. જોકે લાખણી અને ધાનેરામાં વરસાદ ઓછો છે.