ગાંધીનગર: આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  17થી 19 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. છોટા ઉદેપુર, દાહોદ, સુરતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કાલે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદમાં વરસાદ વરસી શકે છે. 


સૌરાષ્ટ્રાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  ભારે વરસાદની આગાહીને પગલે 16થી 18 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 




અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ બનતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  આજે વહેલી સવારથી મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.  આજે સવારથી મહીસાગર, છોટાઉદેપુર, તાપી, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સારા એવા વરસાદના કારણે ખેડૂતોના સુકાતા પાકને ફાયદો મળશે.  જો કે હજુ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. 


ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ


ડાંગ જિલ્લામાં  વરસાદી માહોલ જામ્યો છે.  જિલ્લામાં સાપુતારા અને વઘઇમાં વરસાદ વરસ્યો છે.  ગત અઠવાડિયામા સારા વરસાદ બાદ ફરી વરસાદથી વાતવરણમાં ઠંડક પ્રસરી છે.  ખેતીવાડી કરતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  સહલાણીઓ માટે પણ વરસાદ આનંદ લઈને આવ્યો છે.  ચોમાસા દરમિયાન ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા સેહલાણીઓ માટે સ્વર્ગ સમાન બન્યું છે. 


નર્મદા જિલ્લામાં વરસ્યો વરસાદ


ર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.  વરસાદ પડતા ખેડૂતોને મોટી રાહત થઈ છે.  કેવડિયા ,ગરુડેશ્વર વિસ્તારમાં ભારે વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. સપ્ટેમ્બર સુધી  વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો.  નર્મદા જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોને ઘણી રાહત મળી છે.  જમીનમાં પાણી ઉતરતા જળ સ્તર પણ વધશે. 


પંચમહાલ જિલ્લામાં વરસાદ


પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  હાલોલ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.  વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસ્યો છે.  ગામ્ય વિસ્તારોમાં પણ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડ્યા છે.  લાંબા સમયના વિરામ બાદ વરસાદના આગમનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ખેડૂતોમાં પણ વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.