અમરેલી: સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી ધોદમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. અમરેલીના લાઠીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે લાઠીની બજારોમાં પાણી ભરાયા છે. વરસાદના કારણે રામપર, નાના રાજકોટ ચાવંડ સહિતના ગામોમાં વિજળી જતી રહી છે.


અમરેલીના બગસરા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. બગસરામા ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી, ચલાલા પંથકમાં પણ વરસાદ શરૂ થયો છે. ધારીના ભાડેર, મોણવેલ, લુંઘીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ચલાલાના ગોપાલગ્રામ સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં ચોમાસાની ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજયમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.