છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજ કચેરીમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. મેઘરાજાના આગમનને લઈ જિલ્લાના 18 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
સતત વરસી રહેલા વરસાદને લઈ છોટાઉદેપુરના ધડાગામ પાણીમાં ગરકાવ થયું છે. લો લેવલનો કોઝવે પાણીમાં ડૂબ્યો છે. ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ભારે પાણીના પ્રવાહના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
ભારે વરસાદને કારણે છોટાઉદેપુરમાં નદીનાળા છલકાયા છે. મુલધર અને જબુગામ વચ્ચેથી પસાર થતી મેરિયા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. માણકા ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ચારથી વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે.
ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં
હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ જિલ્લામાં મોડી રાત્રિથી ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મોડી રાતથી સતત પડી રહેલા વરસાદને કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયાં છે. રેલવે ટ્રેક પર અંદાજે એક ફુટ સુધી પાણી ભરાયેલા છે. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા સિગ્નલ લોકીંગ સિસ્ટમ પર અસર પડી છે. મુંબઈ -દિલ્હી વચ્ચે ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. મુસાફર ટ્રેનો પસાર કરવા માટેના રેલવે વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
ક્યાં જિલ્લામાં રેડ એલર્ટ
આગામી 24 કલાક દાહોદમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ઝાલોદ, ગરબાડા, દેવગઢ બારીયા, ધાનપુર, સિંગવડ, ફતેપુરા અને સંજેલીમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી.
આ 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
રાજ્યના ચાર જિલ્લામાં આગામી 24 કલાક વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટને લઈને જિલ્લા પ્રશાસન એક્શન મોડ પર છે. ગુજરાતમાં અનેક જિલ્લામાં મેઘરાજાએ શાનદાર બેટીંગ કરી છે. અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે.