ગીર સોમનાથ: ગીર જંગલ વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમીના બફારા બાદ ઉના, ગીર ગઢડા, સહિત તાલાળાના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યા છે.


અમરેલીના ખાંભા-ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ખાંભાના ગામ્ય વિસ્તારના ડેડાણ, ત્રાકુડા,ભાવરડી, નાનુડી સહીતના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આખી સિઝનમાં ધીમીધારે જ વરસાદ વરસ્યા બાદ ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

આગામી સાત તારીખે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને છ અને સાત તારીખે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 99 ટકા વરસાદ પડ્યો છે.