વડોદરા: કવાંટમાં 20 અને છોટાઉદેપુરમાં ધમાકેદાર 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. કવાંટમાં 24 કલાકમાં જ 20 ઇંચ વરસાદ અને રામી ડેમ ઓવરફ્લો થતાં પાણી હેરણ નદીમાં આવતાં હેરણ નદી ગાંડીતુર બની હતી. સાથે ઓરસંગે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં કાંઠા વિસ્તારોનાં 40થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યાં હતાં.


છોટાઉદેપુર જિલ્લામાં ધમાકેદાર વરસાદને પગલે સર્વત્ર જળબંબોળની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં કવાંટ તાલુકામાં 20 ઇંચ વરસાદ અને છોટાઉદેપુરમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 24 કલાકમાં જ તોફાની વરસાદના પાણીની સાથે રામી ડેમ પણ ઓવરફ્લો થતાં હેરણ નદી ગાંડીતુર બની હતી સાથે ઓરસંગ પણ બે કાંઠે થતાં લોકો નદીના નીર નીહાળવા માટે ઉમટી પડ્યાં હતાં. રામી ડેમે 196.55ની સપાટી વટાવી 20 સેન્ટીમીટરે ઓવરફ્લો થઇ હતી. ભારે વરસાદને પગલે 40થી વધારે ગામમાં પાણી ફરી વળ્યા હતા.

આ ઉપરાંત ગુજરાતના બીજા વિસ્તારોની વાત કરીએ તો ગોધરામાં 61 mm , જામ્બુઘોડામાં 61 mm, દેવગઢ બારીમાં 58 mm, લિમખેડામાં 51 mm, ફતેપુરામાં 49 mm, દાહોદમાં 45 mm, સાંજલીમાં 43 mm, બોડેલીમાં 41 mm, હાલોલમાં 34 mm, ગરબાડામાં 31 mm, શાહેરામાં 30mm, કડાણામાં 29 mm, નસવાડીમાં 26 mm વરસાદ નોંધાયો હતો.

મધ્યગુજરાતમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ લાંબા સમય બાદ વરસાદે એન્ટ્રી લેતાં ચોમાસાએ જમાવટ કરી હતી. જેમાં જાંબુઘોડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોધરામાં વરસાદના આગમનના પગલે પ્રથમ વખત મેસરી નદી બે કાંઠે આવી હતી. જયારે દાહોદ જિલ્લાના ધાનપુરમાં 4 ઇંચ અને દાહોદ, બારિયા, ગરબાડા અને લીમખેડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. લીમખેડાની હડફ અને માછણ નદી બે કાંઠે આવી હતી.