Heavy rain in Saurashtra: રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરીથી ચોમાસાનો માહોલ જામ્યો છે. આજે, 15 જૂનના રોજ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને જૂનાગઢ, વલસાડ અને સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

આજની વરસાદી સ્થિતિ અને આગાહી:

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાત પ્રદેશના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અને મહીસાગર સહિતના તમામ જિલ્લાઓમાં 30 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે મધ્યમ વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત પ્રદેશના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, અને દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે.

ગતરોજની સ્થિતિ: ગોંડલ રાજકોટમાં જળબંબાકાર અને જાનહાનિ:

ગતરોજ, રાજકોટ, અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, મહિસાગર, ગોંડલ અને ચોટીલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ગોંડલમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે રાજકોટમાં 3 ઇંચ વરસાદ નોંધાતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

દુર્ભાગ્યપૂર્ણ રીતે, વીજળી પડવાની ઘટનાઓમાં પણ જાનહાનિ થઈ હતી. રાજકોટમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું અને 14 ઘેટા બકરાનું મોત થયું હતું. દાહોદમાં પિતા પુત્ર અને બે બળદના મોત થયા હતા, જ્યારે માંગરોળમાં એક મહિલાનું મોત થયું હતું. કાલોલ તાલુકાના મોકડ ગામે આકાશી વીજળી પડવાથી સરપંચનું પણ મોત નિપજ્યું હતું.

વિસ્તારવાર વરસાદી અહેવાલ:

  • જૂનાગઢ: શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. વાતાવરણમાં અચાનક પલટો આવતા ધોધમાર વરસાદ પડ્યો હતો. મેંદરડા તાલુકાના મેંદરડા, સાસણ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે રસ્તાઓ પર અને કોઝવેમાં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, અને હજુ વધુ વરસાદની શક્યતા છે. વિસાવદર પંથકમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં માંડાવડ, મોણિયા, નાની મોણપરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
  • વલસાડ: બપોરે 4 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 14 મિલીમીટર, ધરમપુર તાલુકામાં 01 મિલીમીટર, કપરાડા તાલુકામાં 06 મિલીમીટર, ઉમરગામ તાલુકામાં 61 મિલીમીટર અને વાપી તાલુકામાં 01 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વલસાડ શહેરમાં વરસાદનું આગમન થતાં વાહનોની ગતિ ધીમી પડી હતી અને યુવાનો તેમજ બાળકોએ વરસાદની મજા માણી હતી.
  • સુરત: વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા અસહ્ય ઉકળાટમાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.