Rain: છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઇ રહી છે, મેઘરાજાએ અનેક જગ્યાએ તબાહી મચાવી છે, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ મન મુકીને વરસ્યો છે, જેના કારણે રાજ્યમાં મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે. તાજા સ્થિતિ પ્રમાણે, રાજ્યના 74 જળાશયો હાઇ એલર્ટ અને એલર્ટ મૉડ પર રાખવામાં આવ્યા છે, લોકોને આ જળાશળોની નજીક જવા પર પણ વૉર્નિંગ અપાઇ છે. 


રાજ્ય સરકારે વરસાદની તાજા સ્થિતિનું અવલોકન કરતાં કેટલાક જળાશયો માટે એલર્ટ મૉડની સૂચના આપી છે. તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં હાલની સ્થિતિમાં 74 જળાશયો હાઈએલર્ટ અને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યારે કેટલાક માટે વૉર્નિંગ અપાઇ છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલીય નદી-નાળા અને ડેમો-જળાશયો ઓવરફ્લો થયા છે અને પાણીને નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે. 


હાલની સ્થિતિ પ્રમાણે 74 જળાશયોને એલર્ટ સ્થિતિમાં મુકવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે, જોઇએ તો રાજ્યમાં અત્યારે 90 ટકાથી વધુ ભરાયેલા 52 ડેમ હાઈએલર્ટ મૉડમાં રખાયા છે, 80થી 90 ટકાથી વધુ ભરાયેલા 12 ડેમ એલર્ટ પર છે, 70થી 80 ટકાથી વધુ ભરાયેલા 10 ડેમ વૉર્નિંગ પર છે. 207 પૈકી 45 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે, જેમાં સૌરાષ્ટ્રના 35, કચ્છના 6 ડેમ સંપૂર્ણ ભરાયા છે, દક્ષિણ ગુજરાતના 13 પૈકી 4 ડેમ થયા છલોછલ ભરાયેલા છે. ખાસ વાત છે કે, રાજ્યના જીવાદારો સમાન ગણાતા સરદાર સરોવર ડેમમાં હાલ 53.48 ટકા જળસંગ્રહ થયો છે.


છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં સ્થિતિ દયનીય બની છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવયો યથાવત છે. ડોસવાડા ડેમ ભયજનક સ્થિતિએ પહોંચતા મીંઢોળા નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારે બારડોલી નજીકથી પસાર થતી મીંઢોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે અને ગાંડીતૂર બની છે. મીંઢોળા નદીના પાણી તલાવડી વિસ્તાર અને કૉર્ટની સામેના ખાડા સહિત 50થી વધુ ઘરોમાં ઘૂસી ગયા છે. અહીં રહેતા મોટાભાગના શ્રમિકોના ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી સહિતની વસ્તુઓ પાણીમાં તરતી થઇ છે. ખાસ વાત છે કે, ભારે વરસાદના એલર્ટ વચ્ચે હજુ પણ વરસાદ ખાબકી રહ્યો છે, અને વહીવટી તંત્રએ લોકોને સલામત સ્થળે તાત્કાલિક ધોરણે ખસી જવા અપીલ કરી છે.