ગુરૂવારે બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અંબાજી, દાંતા, ધાનેરા, થરાદ સહિતના વિસ્તારોમાં માવઠું થયું હતું. જોકે બપોર બાદ જિલ્લાના સુઈગામમાં પવન સાથે કરા અને ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. વરસાદને પગલે ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે તો કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. બે દિવસ પહેલા જ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. નોં
સરહદી સુઈગામ તાલુકામાં વાતાવરણમાં પલ્ટો આવતાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાયેલા જોવા મળ્યાં હતાં અને સાંજે ગાજવીજ અને ભારે પવન ચાલુ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. જોકે સરહદી સુઈગામ વિસ્તારના છેવાડાના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો, વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા એરંડાના પાકનો સોથ વળી ગયો હતો. ઠેરઠેર વૃક્ષો પણ તુટી ગયા હતાં.
કરા અને વાવાઝોડા સાથે સરહદી સુઇગામ પંથકના છેવાડાના ગોલપ, નેસડા, પાડણ, રડોસણ, મેઘપુરા, ભરડવા, કોરેટી, મમાણા, કાણોઠી, જેલાણા ખડોલ, ચાળા, ધનાણા સહિતના ગામોમાં કરા સાથે વરસાદ થયો નોંધાયો હતો. જ્યારે સુઈગામ તાલુકાના અન્ય ગામોમાં આંધી તોફાન સાથે સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ અને વાવાઝોડાને કારણે ઉભેલા પાકને ભારે નુકસાન થયું હતું. જ્યારે શિયાળુ પાકો જીરું, ઈસબગુલ, રાયડા સહિત ફળફળાદી અને શાકભાજીના પાકોને ભારે નુકશાન થયું છે.
ગુરૂવાર બપોરે દિયોદરમાં અચાનક જ કરા અને ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. વરસાદના લીધે દિયોદર તાલુકામાં એરંડા, કપાસ, રાયડો, જીરૂં, ઘાસચારો વગેરે પાકને નુકશાન થયું છે. ત્યારે ખેતરોમાં નીચાણવાળા વિસ્તારોમાં સંપૂર્ણ પાણી ભરાઈ ગયા હતા. અડધો કલાક સુધી ત્રાટકેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. દિયોદરમાં પોણા બે ઈંચ નોંધાયો હતો.
અચાનક વરસાદને પગલે ધાનેરા તાલુકામાં રાયડા, એરંડા તેમજ અન્ય પાકોમાં નુકસાન થવાની સંભાવનાથી ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. વાતાવરણ આવુ વાદળછાયુ રહે તો ખેતીમાં ભારે નુકસાન થવાની પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.