અમદાવાદઃ રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદર ઇનિંગ જોવા મળી શકે છે. 29 અને 30 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 31 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.


વેલ માર્ક લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન ફરી અસર થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આવતીકાલ એટલે કે 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 30 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31 તારીખથી રાજયમાં વરસાદનું જોર ઘટશે.

બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી 30 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાં રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું અને આ પાણી નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે.

ધસમસતા પાણીના આ પ્રવાહને લઈ નર્મદા નદી કાંઠાના 30થી વધુ ગામોને એલર્ટ કરાયા છે.. નર્મદા ડેમમાં કુલ 1 લાખ, 2 હજાર, 885 ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે.