અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈ ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આજનો એક દિવસ ભારે છે. રાજ્યમાં આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. બિકાનેરથી પસાર થતાં મોનસુન ટ્રફને લઈને રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજયનમાં 28% વધુ જ્યારે સૌરાષ્ટ્ર તરફ 83% વધુ વરસાદ નોંધાયો છે. આવતીકાલથી વરસાદની સિસ્ટમ ન હોવાને લઈને વરસાદનું જોર ઘટશે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારે વરસાનું અનુમાન છે. આજે બે જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે તો આઠ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
અરવલ્લી અને મહીસાગર જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
સિઝનનો કેટલો વરસાદ વરસ્યો?
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 120.80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં નોંધાયો 128.44 ટકા વરસાદ વરસ્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. તો મધ્ય ગુજરાતમાં 116.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 104.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના ડેમની શું છે સ્થિતિ?
પાણીની ભરપૂર આવક થતા રાજ્યના 207 પૈકી 115 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 95 જળાશયો હાઉસફુલ થયા છે. તો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નવ નવ ડેમ અને ઉત્તર ગુજરાતના બે ડેમ થયા છલોછલ ભરાઇ ચૂક્યાં છે. સારા વરસાદને પગલે રાજ્યના 161 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકાથી વધુ ભરાયેલા 143 જળાશયો હાઈએલર્ટ, 80થી 90 ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ.. તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.
Gujarat Rain Forecast: રાજ્યના આ 8 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ