અમદાવાદઃ મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે. છોટા ઉદેપુર, નવસારી, વલસાડ સહિતનાં વિસ્તારોમાં વરસાદે જળપ્રલયની સ્થિતિનું સર્જન કર્યું છે. તો સુરત જિલ્લામાં પણ બારે મેઘ ખાંગા થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ત્યારે ગુજરાતમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થવાથી આગામી દિવસોમાં પણ ગુજરાત માટે રાહતના સમાચાર નથી. આગામી પાંચ દિવસોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ અને મહિસાગરમાં પણ ભારે વરાસદની આગાહી છે. વડોદરા, આણંદ, નવસારી, ભરૂચમાં પણ ભારે વરાસદ પડવાની આગાહી કરાઇ છે.

સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ રહેશે અને ત્યારબાદ તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. તારીખ 8 અને 9 દરમિયાન સમગ્ર રાજ્યને રેડ ઝોનમાં મુકવામાં આવ્યું છે.