અંબાજી: અંબાજીના દાંતા અને હડાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. અંબાજી મંદિરનો ચાચર ચોક પણ વરસાદને કારણે પાણી-પાણી થયો છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. બાઈક અને લારી તણાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.


મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ખેરાલુ, મહેસાણા, ઉંઝા અને વડનગર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ નોઁધાયો છે. મહેસાણાના ગોપી નાળામાં પાણી ભરતા નાળું બંધ કરાયું છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.

ખેરાલુ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. આ તરફ વડનગર તાલુકાના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. કહીપુર, વડનગર, સુલીપુર, સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, કારણે આ વરસાદના કારણે ખેતીના પાકને નુક્સાન થઈ શકે છે.