ગાંધીનગર: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે અમરેલી જિલ્લમાં અને પોરબંદર જિલ્લામાં વરસાદ નોંધાયો છે.  અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાજુલા-જાફરાબાદ પંથકમાં માવઠું પડતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. રાજુલા શહેર તેમજ ડુંગરના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. જાફરાબાદના મોટા માણસા ગામે પણ વરસાદી ઝાપટું પડતા મગફળી, કપાસ, તલ, બાજરી, જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું છે.


અમરેલી જિલ્લાના લાઠી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. સતત પડેલા વરસાદથી લાઠી શહેરના રોડ-રસ્તાઓ પાણી-પાણી થયા હતા. અમરેલી જિલ્લાના ધારી-ગીર કાંઠાના ગામમાં વરસાદ વરસ્યો છે. ગોવિંદપુર, કુબડા, સુખપુર, કાંગસા, જીરા સહિતના ગામમાં વરસાદ પડ્યો હતો. રાજુલા તાલુકાના સાજણવાવ ગામમાં ધોધમાર વરસાદના કારણે પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ છે.

પોરબંદર જિલ્લાના વાતાવરણમાં સતત ત્રીજા દિવસે પલટો આવ્યો છે. પોરબંદરના બરડા પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બરડા પંથકના ફટાણા, મજીવાણા, શીંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા પાકને મોટું નુકસાન થયું છે.