અમરેલી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. ગુજરાતના અમરેલી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં અનેક જિલ્લમાં વરસાદ વરસતા ખેડૂતો પરેશાન થયા છે. અમરેલી જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના ધારીમાં અનેક ગામમાં વરસાદ વરસ્યો છે. સુખપુર, ગોવિદપુર સહિતના ગામડામાં વરસાદ છૂટો છવાયો વરસાડ પડતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અહીં કેસર કેરીનો ગઢ ગણાતા ધારી વિસ્તારમાં કેરી સહિત ચણા, ઘઉં અને ધાણા સહિતના તૈયાર પાકોમાં નુકસાન જવાની ભીતિ જોવા મળી રહી છે.
અંબાજી દાંતા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. દાંતા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. દાંતા તાલુકામાં ઘઉં, ચણા અને જીરાના પાકને લઈ ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. વહેલી સવારે કમોસમી વરસાદી માવઠાની શરૂઆત થઈ હતી.
સાવરકુંડલા પંથકમાં હવામાનમાં પલટો આવ્યો છે. જેને લઈને ખેતરોમાં ખેડૂતોએ પોતાનો પાક ઢાંકવાના પ્રયાસો શરુ કરી દીધા છે. ઈટો પકાવતા કુંભારોએ પોતાની ભઠ્ઠા તાલપત્રીથી ઢાંકવાની કવાયત હાથ ધરી છે. ધીમે ધીમે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને જિલ્લાના સાળંગપુર ઉમરાળા, વલભીપુર, પાલીતાણા, જેસર પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે અને પડતા પર પાટુ જેવા હાલ ખેડૂતોના થયા છે. ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસમાં માવઠાની આગાહીના પગલે દક્ષિણ ગુજરાતના બાગાયતી તેમજ કઠોળ અને ધન્ય પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.
હવામાન વિભાગ દ્વારા 5,6,7 માર્ચના રોજ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદે અને દક્ષિણના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ અમદાવાદમાં 38 થી 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યાતા છે.