સુરત: શહેરના સરથાણાના વાલક પાટીયા વિસ્તારમાં રહેતા રત્નકલાકારે લેણદારો દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી કંટાળીને ગતરોજ કોસાડ રોડ ખોડિયાર માતાની ડેરી પાસે જાહેરમાં અનાજમાં નાંખવાની ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોલકી ગામના વતની અને હાલ સરથાણાના વાલક પાટીયા નજીકના ગ્રીનવેલી આર બિલ્ડીંગમાં રહેતા ૨૨ વર્ષીય અમિત પરસોત્તમ સાવલિયા હીરા મજૂરી કરી પત્ની અને એક બાળકી સહિત પરિવારનું ગુજરાત ચલાવતા હતા. 


અમિત સાવલિયાએ ગત ૨જી માર્ચે બપોરે બાર વાગ્યાના અરસામાં અમરોલીના કોસાડ રોડ ખોડિયાર માતાની ડેરી આગળ વેણીનાથ ગરનાળા પહેલા અનાજમાં નાખવાનો પાઉડર પી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું છે. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં અમિત સાવલિયાએ લેણદારોના ફોન આવતા હોવાથી કંટાળી જઇ આ પગલું ભર્યુ હોવાનુ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.


સુરતમાં રૂબી સ્ટોનની નિકાસના નામે 1 હજાર કરોડ રૂપિયાનું હવાલા કૌભાંડ


સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઇડી અને ડીઆરઆઇએ રૂબી સ્ટોનના નામે સિન્થેકિટ રૂબીના પેન્ડન્ટ વિદેશ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. અંદાજે રૂપિયા એક હજાર કરોડના હવાલા કાંડમા ત્રણ કંપનીઓ સામેલ છે. ઇડીએ 25 લાખ રોકડા અને 10 કરોડ રૂપિયાની ગોલ્ડ-ડાયમંડ જ્વલેરી જપ્ત કરી હતી. ઇડી બાદ ડીઆરઆઇએ તપાસ કરી હતી અને હાલ સ્ટેટ જીએસટીની ટીમ દરોડામાં સામેલ થઈ છે. હલકી કક્ષાના સ્ટોન વિદેશ મોકલી તેની આડમાં હવાલા મારફત રૂપિયા મોકલાતા હતા. સમગ્ર કૌભાંડ ત્યારે પકડાયુ જ્યારે સ્ટોનનું પેમેન્ટ થઈ જતુ હતું પરંતુ તેની પર વેલ્યુ એડિશન થયા બાદ જે માલ વિદેશ મોકલાતો હતો તેનું પેમેન્ટ ભારતમાં આવતુ નહતું. એટલે એક રીતે વિદેશી હુંડિયામણનું પણ નુકસાન થતું હતું.


SEZની સાગર ડાયમંડ, સાગર એન્ટપ્રાઇઝ અને આર.એચ.સી.ગ્લોબલ વિદેશથી રૂબી મગાવી પેન્ડન્ટ એક્સપોર્ટ કરતી હતી. ઇડી અને ડીઆરઆઇને આ ત્રણ કંપનીના ધંધામાં કંઈક ગોલમાલ થવાની શંકા ગઈ. આ કંપનીઓ વિદેશથી ઇમ્પોર્ટ રૂબીનું પેમેન્ટ ડોલરમાં કરતી હતી પણ જે પેન્ડન્ટ એક્સપોર્ટ કરતી હતી તેનું પેમેન્ટ 3 વર્ષથી આવતું જ ન હતું. તપાસ એજન્સીઓએ તપાસ કરી તો ખબર પડી કે, જે રૂબી ઇમ્પોર્ટ થતી હતી તે સિન્થેટિક રૂબી હતા અને તેનું પેમેન્ટ ઓરીજીનલ તરીકે થતું હતું. ખરેખર જે વિદેશ હૂંડિયામણ ભારતથી વિદેશમાં જતું હતું તે રૂબીનું પેમેન્ટ નહીં પણ હવાલાના રૂપિયા હતા. રૂબીથી જે પેન્ડન્ટ બનાવાતા હતા તેના પર 5 ટકા મેકિંગ ચાર્જીસ બતાવી વિદેશ એક્સપોર્ટ કરાતા હતા પરંતુ તે ડુપ્લિકેટ જ હતા અને તેનું પેમેન્ટ આવતું જ ન હતું. ઇડી, ડીઆરઆઇ અને જીએસટી આ કેસની તપાસ રાત્રે પણ કરી રહી હતી અને સ્ટોક-પેમેન્ટનો હિસાબ કરી રહી છે, એક અંદાજ મુજબ જે પેમેન્ટ વિદેશ મોકલાતું હતું તેમાંથી 90 ટકાથી વધુની રકમ હવાલાની જ હતી.