મહીસાગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2થી 17 મીમી સુધીનો વરસાદ ખાબક્યો છે. કડાણામાં 17 મી.મી, લુણાવાડામાં 2 મી.મી, સંતરામપુરમાં 2 મી.મી અને ખાનપુરમાં 7 મી.મી. વરસાદ પડ્યો હતો. દાહોદના સંજેલી, ફતેપુરામાં મધરાત્રે મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થી હતી. વીજળીના કડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. સંજેલી સહિતના કેટલાક વિસ્તારમાં કલાકો સુધી વીજળી ગુલ થઈ ગઈ હતી. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા વાલોડ સહિતના તાલુકાના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો. નવસારી જીલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં 'નિસર્ગ' વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. નવસારી જીલ્લાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના ગામો અને જલાલપોર તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે. નવસારી જીલ્લામાં 1 NDRFની ટીમ, 1 SDRFની ટીમને તૈનાત
કરાઈ છે.