છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 2.6 ઈંચ, બોડેલીમાં 2.3 ઈંચ, પાવીજેતપુરમાં 2 ઈંચ, ક્વાંટ અને સંખેડા તાલુકામાં 1.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે જિલ્લાની સૌથી મોટી ઓરંસગ નદી બે કાંઠે વહેતી થઈ છે. છોટાઉદેપુર પાસે નવ નિર્મિત ચેકડેમ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 76.04 ટકા વરસાદ વરસી ચુક્યો છે. છોટાઉદેપુર તાલુકામાં 123.65 ટકા, જેતપુર પાવીમાં 82.22 ટકા, નસવાડીમાં 58.64 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. નસવાડીમાં આજ સવાર થી ધોધમાર વરસાદ પાડવાનો શરૂ થયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે અને જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે. ગુજરાતમાં આગામી ચાર દિવસમાં હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે ભારે વરસાદને લઈ શું કરી મોટી આગાહી, જાણો
અમદાવાદ: રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થઇ શકે છે. ખાસ કરીને વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર, દાહોદ સહિતના જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે રાજ્યમાં સારા વરસાદ છતાં હજુ વરસાદની 18 ટકા ઘટ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વડોદરા અને પંચમહાલના હાલોલમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના ઘાટલોડિયા, રાણીપ, નવા વાડજ, સોલા, થલતેજ, ભૂયંગદેવ, પકવાન, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના પૂર્વના ગીતામંદિર, ઓઢવ, રખિયાલ, સોનીની ચાલી, નરોડા, નારોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. થોડીવાર વરસેલા વરસાદને પગલે શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે.