અમદાવાદઃ હાલ ગુજરાતમાં એક સાથે ત્રણ સિઝન ચાલુ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ગુરૂવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જોકે મોડી સાંજે ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ તુટી પડ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. વરસાદ પડવાના પગલે લોકોએ ગરમીમાં ઠંડકનો અનુભવ થયો હતો. જોકે, ગુજરાતના અનેક જગ્યાએ ખેડૂતોના પાકને માવઠાંના કારણે નુકસાન થયું હોવાના પણ સમાચાર મળી રહ્યા હતાં.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, સહિતના અનેક જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.

વાતાવરણમાં પલટો આવતાં દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને ભાવનગરમાં સામાન્ય વરસાદી છાટાં પડ્યા હતાં. ફરી એક વાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં. આજે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરૂવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે બાદ સાંજે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં પાટણ, ડીસા અને સિદ્ધપુરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જેના કરણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.