અમદાવાદ: હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુરૂવાર સાંજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. આ ઉપરાંત મોડી સાંજે અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈને ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

દક્ષિણ પાકિસ્તાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદમાં મોડી સાંજે અડધો કલાક ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. સમગ્ર અમદાવાદમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.

વાતાવરણમાં પલટો આવતાં દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને ભાવનગરમાં સામાન્ય વરસાદી છાટાં પડ્યા હતાં. ફરી એક વાર કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતામાં મુકાઈ ગયા હતાં. આજે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુરૂવારે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારે બાદ સાંજે અમદાવાદ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ઝાપટાં જોવા મળ્યાં હતાં. ઉત્તર ગુજરાતમાં પાટણ, ડીસા અને સિદ્ધપુરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો જેના કરણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઈરાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે સાઉથ પાકિસ્તાનમાં દોઢ કિલોમીટરના વિસ્તારમાં એર સરક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.