ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે નદી, નાળા અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. ગઈકાલે સાંજથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં હળવાંથી લઈને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી. જ્યારે ભારે વરસાદને પગલે ભાનગર સહિતના દરિયા કિનારાઓ પર 3 નંબરનું સિગ્લન લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી તો અમદાવાદ, ગાંધીનગરમાં ઝરમર વરસાદ જોવા મળ્યો હતો.
સમગ્ર અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. શહેરના એસપી રિંગ રોડ, એસ.જી. હાઈવે શાહીબાગ વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યાં હતાં. તો રાણીપ, વાડજ, ઘાટલોડિયા સાયંસ સિટી, વાસણા, નરોડા, નારોલમાં વરસાદ ખાબક્યો હતો.
વરસાદી માહોલના કારણે વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન થયા હતાં. કેટલાક વિસ્તારમાં વૃક્ષો પડવાની ઘટના બનતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં તો અમુક જગ્યા પર પાણી ભરાતા લાકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતના માંડવીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો. તડકેશ્વર, કરંજ, ઉશ્કેર, નૌગામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સુરતના રાંદેર કોઝવેને બંધ કરવાની ફરજ પડી હતી. પાણીનો પ્રવાહ વધતા રાહદારીઓની સલામતીના ભાગ રૂપે પ્રશાસને કોઝ વે બંધ કર્યો હતો.
સુરત શહેરમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતાં. શહેરના અઠવાલાઇન્સ, ઘોડદોડ રોડ, પારલે પોઇન્ટ, ઉમરા, નાનપુરા ચોક સહિતના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતાં.
વલસાડ નેશનલ હાઈવે 48 પર રાતના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે હાઈવે પર વાહન ચલાવતા લોકોને મુશ્કેલી પડી હતી.
તાપીના વ્યારામાં મોડી રાત્રે જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતાં. વાલોડ, ડોલવણ, બાજીપૂરા, બુહારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અનેક ગામડાઓમાં વીજળી પણ ગૂલ થઈ ગઈ હતી.
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ચેક ડેમ અને નદીઓમાં પૂરમાં આવતાં જળિયા ગામમાં પાણી ફરી વળ્યાં હતાં. ભારે પવન અને વરસાદના કારણે PGVCLના વીજ પોલ પણ ધરાશાયી થયા હતાં.
અમરેલી જિલ્લામાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. બગસરા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ગીર સોમનાથના કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કોડીનારના દેવલી, સરખડી, રોનાજ, કડોદરા, દુદાણા અને મિતિયાજમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો.
ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની તોફાની બેટિંગ, ગુજરાતના કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? જુઓ વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2020 08:05 AM (IST)
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરત અને તાપીમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી
- - - - - - - - - Advertisement - - - - - - - - -