ગાંધીનગર: રાજ્યમાં આગામી ચાર દિવસ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ત્રણથી પાંચ સપ્ટેમ્બર ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે જ સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે.


રાજયમાં છેલ્લા 24 કલાકથી મેઘમહેર છે. નવસારીના જલાલપોરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજકોટ શહેરમાં પણ માત્ર સાત કલાકમાં સાત ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે.

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એંટ્રી થઈ છે. લાંબા વિરામ બાદ ગોંડલ તાલુકા સહિત પાટિયારી, થોરડી, સરધાર, લોધિકા, વારાધરી સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.