ગોધરા: મધ્યપ્રદેશના ખાધલા તાલુકાના ખજુરી ગામે રહેતા પરિવારની સાથે પાવાગઢ દર્શને આવેલી પરિણીતાનો પરત ફરતી વખતે ભદ્રકાળીના મંદિર નજીક પતિ પાસે ફોટો પડાવતી વખતે પગ લપસી જતાં પરિણીતા ખીણમાં ખાબકતાં મોત નિપજ્યું હતું.


મધ્યપ્રદેશના ખાંધલા તાલુકાના ખજુરી ગામે રહેતા દીપકભાઈ મોહનભાઈ સોલંકી ઉંમર વર્ષ 26 તેમની પત્ની વીનિતાબેન દીપકભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 તેમની માતા શાંતાબેન મોહનભાઈ સોલંકી ઉંમર વર્ષ 45 તેમજ તેમને ત્રણ વર્ષની દીકરી આરોહી દીપકભાઈ સોલંકી સાથે રવિવારે તેમના ઘરેથી પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા માટે નીકળ્યાં હતા.

રવિવારે વહેલી સવારે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતાં. માતાજીના દર્શન કર્યાં બાદ વિનીતાબેન તેમના પતિ દીપકભાઈ પાસે ફોટો પડાવતાં હતા. પતિ દીપકભાઈ ફોટો પાડતાં હતા તે સમયે આકસ્મિક રીતે વિનીતાબેન ખીણમાં પડી ગયા હતા. તે દરમિયાન તેનો પતિ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો હતો.

આ સમગ્ર ઘટનાની જાણ પોલીસ-વહીવટી તંત્રને થતાં હાલોલ મામલતદાર એસ એન કટારા સહિત પોલીસ તેમજ હાલોલ ફાયર ફાયટર ટીમે રેસ્ક્યુ કર્યું હતું પરંતુ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.