Gujarat Rain Alert: થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થવાના સંકેત છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
વિભાગના અધિકારીઓ અનુસાર, 9 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
તારીખવાર આગાહી આ મુજબ છે:
- 9 સપ્ટેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં યલો એલર્ટ. અન્ય 29 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા.
- 10 સપ્ટેમ્બર: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં યલો એલર્ટ.
- 11 સપ્ટેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ.
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ શાંત હતો, પરંતુ હવે ફરી એકવાર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સક્રિય થવાની શક્યતા છે.
સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા અને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવામાં આવી છે. નાગરિકોને પણ સાવચેતી રાખવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગ (Indian Meteorological Department)એ 9-10 સપ્ટેમ્બરે દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. IMDએ રવિવાર 8 સપ્ટેમ્બરે માહિતી આપી કે બંગાળની ખાડીમાં બનેલું નીચા દબાણનું ક્ષેત્ર હવે ડિપ્રેશન (અવદાબ)માં પરિવર્તિત થઈ ગયું છે. IMDના બુલેટિન અનુસાર, આ અવદાબ કલિંગપટનમ (આંધ્ર પ્રદેશ)થી લગભગ 310 કિમી પૂર્વે, ગોપાલપુર (ઓડિશા)થી 260 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વે, પારાદીપ (ઓડિશા)થી 290 કિમી દક્ષિણ-દક્ષિણ પૂર્વે અને દક્ષિણ દીઘા (પશ્ચિમ બંગાળ)થી 410 કિમી દૂર સ્થિત છે.