જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર, ઘેડ પંથકના ઓસા,ફુલરામા,પાદરડી સહિતના ગામો બેટમાં ફેરવાયા
abpasmita.in | 30 Sep 2019 05:39 PM (IST)
જૂનગાઢ જિલ્લાના માંગરોળના ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ઘેડ પંથકના ઓસા,ફુલરામા,પાદરડી,બાલાગામ,ઘોડાવદર,શર્મા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે.
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી સતત વરસતા વરસાદના કારણે માંગરોળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. માણવદરના પોરબંદર હાઈવે પર ભાદર નદીના પાણી ફરી વળતા સરાડીયા પાસેનો હાઈવે બંધ થયો છે. ઘેડ પંથકના ગામોમાં પણ ભાદર નદીના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જૂનગાઢ જિલ્લાના માંગરોળના ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. ઘેડ પંથકના ઓસા,ફુલરામા,પાદરડી,બાલાગામ,ઘોડાવદર,શર્મા સહિતના ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ પંથકના વેકરી, મરમઠ, સરાડીયા, સમેગા, દેશીગા સહિતના 15 ગામોમાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા મગફળી, કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. જો કે પાકને કેટલું નુકસાન થયું છે તે પાણી ઓસર્યા બાદ સર્વે થયા પછી ખ્યાલ આવી શકે તેમ છે. વરસાદ રોકાવાને હજુ પણ 24 કલાકની રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહેશે. પરંતુ આવતીકાલે બપોર પછી ડિપ્રેશન નબળું પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.